ભાવનગરમાં ડીઝલની અછતથી ટ્રાવેલ્સ ઉદ્યોગ ઠપ્પ, 50 ટકા બસોના પૈડા થંભ્યા
ભાવનગર, 25 મે (હિ.સ.) ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછત ગંભીર બની રહી છે, જેના સીધા પ્રભાવ હેઠળ ખાનગી ટ્રાવેલ્સ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. રાજ્યભરમાં ઇંધણના પુરવઠામાં ઉભી થયેલી ખામીના કારણે ભાવનગરમાં ચાલતી અનેક ટ્રાવે
ભાવનગર


ભાવનગર, 25 મે (હિ.સ.) ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછત ગંભીર બની રહી છે, જેના સીધા પ્રભાવ હેઠળ ખાનગી ટ્રાવેલ્સ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. રાજ્યભરમાં ઇંધણના પુરવઠામાં ઉભી થયેલી ખામીના કારણે ભાવનગરમાં ચાલતી અનેક ટ્રાવેલ્સ બસોનું સંચાલન ખોરવાઈ ગયું છે. હાલ સ્થિતિ એવી બની છે કે લગભગ 50 ટકા જેટલી ટ્રાવેલર્સ બસો બંધ રાખવાની ફરજ પડી રહી છે.

ટ્રાવેલ્સ સંચાલકોના જણાવ્યા મુજબ, ડીઝલ પૂરતા પ્રમાણમાં ન મળતાં લાંબા રૂટ પર બસો દોડાવવી મુશ્કેલ બની ગઈ છે. ઘણી જગ્યાએ પેટ્રોલ પંપ પર મર્યાદિત ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે વાહન વ્યવહાર વ્યવસ્થિત રીતે ચાલી શકતો નથી. પરિણામે મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક બસો રદ કરવામાં આવી છે તો કેટલીકના સમયપત્રકમાં ફેરફાર કરાયા છે.

આ પરિસ્થિતિને કારણે ટ્રાવેલ્સ વ્યવસાય સાથે જોડાયેલા ડ્રાઈવર, ક્લીનર અને અન્ય કર્મચારીઓ પર પણ આર્થિક સંકટ ઊભું થયું છે. રોજિંદી આવક પર આધારિત અનેક પરિવારો માટે હાલની સ્થિતિ ચિંતાજનક બની છે. બસો બંધ રહેતાં સંચાલકોને લોનની કિસ્ત, વીમા અને અન્ય ખર્ચનો ભાર સહન કરવો પડી રહ્યો છે.

ટ્રાવેલ્સ એસોસિએશન ભાવનગર દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ડીઝલની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે. સાથે જ, હાલ બંધ રહેલી બસો પરનો ટેક્સ માફ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશનનું કહેવું છે કે જો ઝડપથી યોગ્ય પગલાં નહીં લેવાય તો ટ્રાવેલ્સ ઉદ્યોગને વધુ મોટું નુકસાન ભોગવવું પડી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande