

- 43 થી 44 ડિગ્રીની ગરમીમાં પણ ક્રિકેટ રસિકોમાં ફાઈનલ મેચને લઈને અત્યારથી જ ખૂબ જ ઉત્સાહ.
અમદાવાદ, 30 મે (હિ.સ.) : શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને રાજસથાં રોયલસ વચ્ચે રમાયેલ આઇપીએલ મેચમાં ગુજરાત ટાઇટન્સ નો સાત વિકેટથી વિજય થતાં હવે 31 મે, 2026ના રોજ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આઇપીએલની ફાઈનલ મેચ રમવાની છે.
ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ફાઈનલ મેચ રમવાની છે. જેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ મેચ જોવા માટે અત્યારથી જ દેશભરના લોકો મોટી સંખ્યામાં અમદાવાદ પહોંચી રહ્યા છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ટિકિટ લેવા માટે પહોંચી રહ્યા છે. અસહ્ય ગરમી હોવા છતાં લાઇનમાં કલાકો સુધી રાહ જોઈને ટિકિટ લેવા માટે ક્રિકેટ રસિકો મજબૂર બન્યા છે. કેટલાક લોકોને ટિકિટ મળી જતા તેમના ચેહરા પર ખુશી જોવા મળી રહી છે તો કેટલાક લોકોને હજુ સુધી મેચની ટિકિટ ન મળતા નિરાશ જોવા મળ્યા હતા.
બીજી તરફ આરસીબીના દિગ્ગજ ખેલાડી અને બરોડિયન બોય એવો કૃણાલ પંડ્યા રૂપાલના વરદાયિની માતાના દર્શન કરવા પહોંચ્યો હતો. જ્યાં તેણે પત્ની અને બાળક સાથે પૂજા કરી માતાજીના આશીર્વાદ લીધા હતા.
રાજસ્થાન રોયલ્સની ટીમને હરાવી ગુજરાત ટાઈટન્સની ટીમ ફાઈનલ માટે આજે અમદાવાદ એરપોર્ટ પરથી સીધી જ આઈટીસી નર્મદા ખાતે પહોંચશે. હોટલ દ્વારા ટીમના કેપ્ટન સહિતના ખેલાડીઓને વેલકમ કરવા ખાસ પ્રકારની વસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે.
અલગ અલગ જગ્યાથી લોકો ટી શર્ટ, ટોપી, ચશ્મા સહિતની વસ્તુઓ વેચવાનું અત્યારથી જ સ્ટેડિયમની બહાર શરૂ કરી દીધું છે.
મોદી સ્ટેડિયમની ટિકિટ બારી પર જે લોકોએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી તેને ફિઝિકલ ટિકિટ આપવામાં આવી રહી છે. આ ટિકિટ લેવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો સ્ટેડિયમ બહાર પહોંચ્યા છે. જે પણ લોકોએ ટિકિટ ઓનલાઈન બુક કરાવી છે તે તમામને આધારકાર્ડની ઝેરોક્ષ સાથે આવવા સૂચના અપાઈ હતી. જેથી આધારકાર્ડની ઝેરોક્ષ ચેક કર્યા બાદ તે લોકોને ફિઝિકલ ટિકિટ આપવામાં આવી રહી છે.
43થી 44 ડિગ્રીની ગરમીમાં પણ ક્રિકેટ રસિકોમાં ફાઈનલ મેચને લઈને અત્યારથી જ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ક્રિકેટ રસિકો પણ અત્યારથી ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટી શર્ટ ખરીદી કરી રહ્યા છે.
જો કે કેટલાક લોકોએ ઑનલાઇન ડિસ્ટ્રિક્ટ એપ્લિકેશન પર ટિકિટ બુક કરાવી છતાં તેમને મુશ્કેલી પડી રહી છે. એપ્લિકેશન પર ઓનલાઇન ટિકિટ બુક થયેલી બતાવી રહી છે તો જ્યારે તે લોકો સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે એમને એવું કહેવામાં આવ્યું કે તમારી ટિકિટ બુક થઈ નથી પરંતુ તેમના ખાતામાંથી પૈસા પણ કપાઈ ગયા છે.
દેશભરમાંથી અલગ અલગ જગ્યાથી લોકો ટી શર્ટ, ટોપી, ચશ્મા સહિતની વસ્તુઓ વેચવાનું અત્યારથી જ સ્ટેડિયમની બહાર શરૂ કરી દીધું છે. મુંબઈથી ટીશર્ટ વેચવા આવેલા વિષ્ણુ પવારે જણાવ્યું હતું કે, હું મહારાષ્ટ્રના મુંબઈથી અમદાવાદ સ્ટેડિયમ ખાતે આવ્યો છું. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીશર્ટ વેચવા માટે ખાસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવ્યો છું.
અત્યાર સુધી સૌથી વધુ વિરાટ કોહલીના નામની ટીશર્ટ વેચાઈ રહી છે. લોકોને વિરાટ કોહલી સૌથી વધુ સારું પ્રદર્શન કરશે તેવી આશાએ ટીશર્ટ લઈ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો અત્યારથી જ ટીશર્ટ લેવા માટે આવી રહ્યા છે. બધી ટીશર્ટ વેચાઈ જાય તો અમને ચોક્કસથી ફાયદો થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ