
અમદાવાદ, 30 મે (હિ.સ.) : ઉદેપુરથી બરોડા જઇ રહેલ 1.19 કરોડની દારૂની પેટીઓ ભરેલું કન્ટેનર અમદાવાદના નિકોલ રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસેથી મોડી રાતે પીસીબીની ટીમે ઝડપી પાડ્યું છે. આ કન્ટેનર ઉદયપુરથી આવ્યું હતું જે બરોડા ડિલિવરી માટે જઈ રહ્યું હતું. પરંતુ પોલીસે દાસ્તાન સર્કલ પાસે જ ઝડપી પાડ્યું હતું.પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી 1.19 કરોડના દારૂ સહિત 1.34 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પીસીબીના પીઆઇ જે.પી જાડેજાની ટીમને બાતમી મળી હતી કે, દાસ્તાન સર્કલ પાસેથી દારૂ ભરેલું કન્ટેનર નીકળવાનું છે. જેથી પીસીબીની ટીમ વોચમાં હતી ત્યારે દાસ્તાન સર્કલ પાસે એક કન્ટેનર આવ્યું હતું. જેને ટ્રાફિક જામ કરીને રોકવામાં આવ્યું હતું. ત્યારબાદ ડ્રાઈવરને પૂછતા ટ્રકમાં રિસાયક્લિંગ પ્લાસ્ટિક વેપર્સ હોવાનું જણાવ્યું હતું જેની બિલ્ટી પણ ડ્રાઈવરે આપી હતી.
પીસીબીની ટીમે ટ્રકનું સીલ તોડીને તપાસ કરી ત્યારે કાળા કલરની તાડ પતરી ઢાંકેલી હતી જે ખોલીને જોતા ખાખી પૂંઠાના ઘણા બોક્ષ મળી આવ્યા હતાં.જે બોક્ષમાં તપાસ કરતાં બોક્સમાંથી દારૂની બોટલો મળી આવી હતી.
ટ્રકમાંથી 22668 દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત 1.19 કરોડ છે જે કબજે કરવામાં આવી છે. પીસીબીએ ડ્રાઇવર હનુમાનરામ ચૌધરીની ધરપકડ કરી હતી. દારૂ સહિત કુલ 1.34 કરોડનો મુદ્દામાલ કબજે કરી નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, હનુમાનરામ ડ્રાઈવરને ઉદયપુરમાં રહેતા રવિ નામના વ્યક્તિએ દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. આ દારૂની ડિલિવરી કરવા ડ્રાઈવરને 50 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતાં. આ દારૂનો જથ્થો બરોડામાં ડિલિવરી આપવાનો હતો. બરોડા પહોંચ્યા બાદ અજાણ્યો વ્યક્તિ ટ્રક લઈને ખાલી કરીને પરત આપો જવાનો હતો. નિકોલ પોલીસે ડ્રાઈવર સહિત ચાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ