2030 કોમનવેલ્થ ગેમ્સની દિશામાં, કચ્છનો ઐતિહાસિક દાવઃ 105 સત્તાવાર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડથી ખેલક્રાંતિની શરૂઆત
કચ્છ, 05 મે (હિ.સ.) : ગુજરાત આગામી વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે દાવેદારી મજબૂત બનાવી રહ્યું છે અને રાજ્યભરમાં ખેલમાહોલ ઉભો કરવા માટે ઝડપી ગતિએ આયોજન ચાલી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સરહદી કચ્છ જિલ્લાએ પણ ભવિષ્યના આંતરરાષ્ટ્રીય કક્ષાના
કોમન વેલ્થની જમીન નિમ કરાઈ


કોમન વેલ્થની જમીન નિમ કરાઈ


કોમન વેલ્થની જમીન નિમ કરાઈ


કચ્છ, 05 મે (હિ.સ.) : ગુજરાત આગામી વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે દાવેદારી મજબૂત બનાવી રહ્યું છે અને રાજ્યભરમાં ખેલમાહોલ ઉભો કરવા માટે ઝડપી ગતિએ આયોજન ચાલી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં સરહદી કચ્છ જિલ્લાએ પણ ભવિષ્યના આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ ઘડવા માટે એક ઐતિહાસિક અને દુરંદેશી પહેલ હાથ ધરી છે. જિલ્લા મહેસૂલી તંત્ર દ્વારા માત્ર એક મહિનાની વિશેષ ઝુંબેશમાં સમગ્ર કચ્છના 9 તાલુકાઓમાં, કુલ 105 રમત-ગમતના મેદાનોને સત્તાવાર દરજ્જો આપી રેવન્યૂ રેકોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં ગ્રામ્યકક્ષાના મેદાનોને સક્રિય રીતે રમતગમત માટે અનામત કરવાના આ નિર્ણયને કચ્છમાં ખેલક્રાંતિની મજબૂત શરૂઆત માનવામાં આવી રહી છે.

કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ, હાથ ધરાયેલી આ કામગીરી માત્ર જમીન નીમ કરવાની પ્રક્રિયા નથી, પરંતુ નવી પેઢીને મોબાઇલ અને સ્ક્રીનની દુનિયામાંથી બહાર લાવી ફરીથી ખુલ્લા મેદાન તરફ વાળવાનો સામાજિક સંકલ્પ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગામડાંઓમાં બાળકોના રમવાના પરંપરાગત સ્થળો ઘટતા જતા હતા અને રમત માટે પૂરતી સગવડના અભાવે અનેક પ્રતિભાઓ શરૂઆતના તબક્કે જ દબાઈ જતી હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પડતર અને ઉપલબ્ધ સરકારી જમીનોની ઓળખ કરી તેને રમત-ગમતના મેદાન તરીકે કાનૂની માન્યતા આપવામાં આવી છે.

મહેસૂલી વિભાગ દ્વારા ફિલ્ડ વિઝિટ, માપણી, રેકોર્ડ ચકાસણી અને જરૂરી કાગદોપત્રી સહિતની તમામ પ્રક્રિયા ટૂંકા ગાળામાં પૂર્ણ કરી કુલ 8 લાખ 49 હજાર 870 ચોરસ મીટર જેટલી વિશાળ જમીન ખેલપ્રવૃત્તિ માટે અનામત કરવામાં આવી છે. આ પગલાંથી હવે ગામડાંના બાળકોને ક્રિકેટ, કબડ્ડી, ખોખો, એથ્લેટિક્સ, વોલીબોલ, ફૂટબોલ સહિત વિવિધ રમતો માટે સત્તાવાર પ્રેક્ટિસ જગ્યા ઉપલબ્ધ બનશે. ગ્રામ્ય વિસ્તારમાં રમતનું સક્રિય વાતાવરણ ઉભું થતાં ખેલ મહાકુંભ, શાળા કક્ષાની સ્પર્ધાઓ અને તાલુકા-જિલ્લા સ્તરની ટૂર્નામેન્ટો વધુ અસરકારક રીતે યોજી શકાશે.

કચ્છમાં હાથ ધરાયેલી આ ઝુંબેશ પાછળનું મોટું વિઝન વર્ષ 2030ના કોમનવેલ્થ ગેમ્સ સાથે જોડાયેલું છે. રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે ગ્રાસરૂટ કક્ષાએથી ખેલાડીઓ શોધી અને તેમને તૈયાર કરવા માંગે છે. તે દિશામાં કચ્છે સમયસર પાયો મજબૂત કરી દીધો છે. ગામડાંઓમાં મેદાન હશે તો તાલીમ આવશે, તાલીમ હશે તો સ્પર્ધાત્મકતા આવશે અને સ્પર્ધાત્મકતા હશે તો મેડલ લાવનારી પ્રતિભાઓ ઊભી થશે—આ જ વિચાર સાથે કચ્છ તંત્રએ રમતગમતના માળખાગત વિકાસને પ્રાથમિકતા આપી છે.

આ પહેલનો એક મહત્વનો પાસો એ પણ છે કે કચ્છના સરહદી વિસ્તારોમાં યુવાનોમાં સૈનિક સેવા, અગ્નિવીર ભરતી, પોલીસ ભરતી અને અન્ય શારીરિક ક્ષમતા આધારિત કારકિર્દી પ્રત્યે વિશેષ ઝોક જોવા મળે છે. આવા યુવાનોને દોડ, કસરત, પરેડ અને ફિઝિકલ ટ્રેનિંગ માટે યોગ્ય જગ્યા ઉપલબ્ધ થાય તે માટે આ મેદાનો અત્યંત ઉપયોગી બનવાના છે. એટલે કે, આ યોજના માત્ર ખેલાડીઓ નહીં, પણ શારીરિક રીતે સશક્ત અને શિસ્તબદ્ધ યુવા પેઢી ઘડવામાં પણ સહાયક બનશે.

જિલ્લાના તમામ 9 તાલુકામાં સમતોલ રીતે આ કામગીરી હાથ ધરાઈ છે જેમાં માંડવી તાલુકામાં સૌથી વધુ 37 મેદાનો, મુંદરામાં 14, અંજારમાં 12, અબડાસામાં 10, રાપરમાં 9, ભુજમાં 8, નખત્રાણામાં 5, ભચાઉમાં 5 અને લખપતમાં 5 મેદાનોને સત્તાવાર નીમ આપવામાં આવ્યા છે. આ વિતરણ દર્શાવે છે કે માત્ર શહેરો નહીં પરંતુ અંતરિયાળ અને સરહદી ગામોને પણ રમતગમતના નકશા પર લાવવાનો પ્રયાસ થયો છે.

સ્થાનિક ગ્રામજનો અને વાલીઓમાં પણ આ નિર્ણયને લઈને નોંધપાત્ર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા ગામોમાં વર્ષો બાદ બાળકોને રમવા માટે કાયદેસર જગ્યા મળી છે. હવે આગામી તબક્કામાં આ મેદાનોમાં બાઉન્ડ્રી, રનિંગ ટ્રેક, વોલીબોલ કોર્ટ, ઓપન જીમ, લાઈટિંગ, પીવાના પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ ઊભી કરવા માટે ડીએમએફ, લોકલ ફંડ અને અન્ય સરકારી યોજનાઓમાંથી ફાળવણી કરવાની તૈયારી ચાલી રહી છે.

કચ્છનો આ પ્રયોગ માત્ર એક જિલ્લા પૂરતો મર્યાદિત રહેવાનો નથી, પરંતુ સમગ્ર ગુજરાત માટે એક મોડેલ બની શકે છે. રમતગમત માટે જમીનનો સત્તાવાર સંગ્રહ, ગ્રામ્ય પ્રતિભાને જગાડતી સુવિધા અને આંતરરાષ્ટ્રીય સપનાઓને પાંખ આપતી યોજના—આ ત્રણેય તત્વો સાથે કચ્છે બતાવી દીધું છે કે, જો દ્રષ્ટિ સ્પષ્ટ હોય તો સરહદી જિલ્લો પણ કોમનવેલ્થ સુધીનો માર્ગ તૈયાર કરી શકે છે. 105 મેદાનોનો આ નિર્ણય કચ્છમાં માત્ર જમીન નીમનો નથી, પરંતુ આવતીકાલના ચેમ્પિયન્સ માટે ઘડાયેલો સોનેરી પાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande