સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર: ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં 2% વધારો જાહેર કર્યો
કચ્છ, 05 મે (હિ.સ.) : રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ, પેન્શનરો, શિક્ષકો અને પંચાયત કર્મચારીઓ માટે રાજ્ય સરકાર તરફથી મોટો રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધતી જતી મોંઘવારી વચ્ચે ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો મંજૂર કરતાં હવે કર્મચ
મોંઘવારી ભથ્થા વધારો


કચ્છ, 05 મે (હિ.સ.) : રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ, પેન્શનરો, શિક્ષકો અને પંચાયત કર્મચારીઓ માટે રાજ્ય સરકાર તરફથી મોટો રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધતી જતી મોંઘવારી વચ્ચે ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો મંજૂર કરતાં હવે કર્મચારીઓને મૂળ પગારના 58 ટકાના બદલે 60 ટકા મોંઘવારી ભથ્થું મળવાનું નક્કી થયું છે. આ વધારો તા. 1 જાન્યુઆરી 2026થી અમલમાં ગણાશે અને મે-2026ના પગાર સાથે તેની અસર કર્મચારીઓના ખાતામાં જોવા મળશે.

ગુજરાત નાણા વિભાગ દ્વારા તા. 4 મે 2026ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર ઠરાવ મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા 22 એપ્રિલે જાહેર કરાયેલા સમાન નિર્ણયના અનુસંધાને રાજ્ય સરકારે પણ પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી સામે આર્થિક સંરક્ષણ આપવા માટે આ મહત્વપૂર્ણ વધારો મંજૂર કર્યો છે. રાજ્ય સરકાર અગાઉ 1 જુલાઈ 2025થી 58 ટકા DA ચુકવી રહી હતી, જેમાં હવે વધારાના 2 ટકા ઉમેરાતા કુલ દર 60 ટકા થયો છે.

માત્ર નિયમિત રાજ્યકર્મચારીઓ જ નહીં, પરંતુ પંચાયતના કર્મચારીઓ, સાતમા પગારપંચ હેઠળ આવતાં પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાનિત સંસ્થાઓના કર્મચારીઓ, પ્રતિનિયુક્તિ પર રહેલા કર્મચારીઓ તેમજ અખિલ ભારતીય સેવા (AIS) અધિકારીઓને પણ આ નિર્ણયનો સીધો લાભ મળશે. એટલે કે રાજ્યભરના લાખો પરિવારોને આ વધારાથી માસિક આવકમાં વધારો અનુભવાશે.

સરકારના આ ઠરાવની સૌથી મહત્વની બાબત એ છે કે જાન્યુઆરી 2026થી એપ્રિલ 2026 સુધીના ચાર માસનો બાકી રહેલો મોંઘવારી ભથ્થાનો તફાવત પણ એકમુષ્ટ ચૂકવવામાં આવશે. મે માસના પગાર સાથે, જે જૂન મહિનામાં ચૂકવાશે, કર્મચારીઓને ચાર મહિનાનો એરીયર્સ રોકડમાં જમા થશે. પેન્શનરોને પણ આ જ સમયગાળાનો હંગામી વધારાનો તફાવત ચૂકવવામાં આવશે. એટલે કર્મચારીઓ માટે આ મહિનો ડબલ રાહત લઈને આવનાર ગણાય છે.

વધતી જીવનજરૂરિયાતો, મોંઘી થતી ઘરગથ્થુ વસ્તુઓ, શિક્ષણ-આરોગ્યના ખર્ચ અને પરિવારના દૈનિક બજેટ વચ્ચે આ 2 ટકાનો વધારો ભલે આંકડાકીય રીતે નાનો લાગે, પરંતુ લાખો સરકારી પરિવારો માટે તે મહત્વપૂર્ણ આર્થિક ટેકો સાબિત થવાનો છે. ખાસ કરીને મધ્યમવર્ગીય કર્મચારીઓમાં આ નિર્ણયથી રાહતની લાગણી જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ તાજેતરમાં 58 ટકાથી 60 ટકા DA વધારાની જાહેરાત કર્યા બાદ ગુજરાતે સમાન નિર્ણય લઈ કર્મચારીઓને રાહત આપી છે.

નાણા વિભાગના સૂત્રો અનુસાર, મોંઘવારી ભથ્થાનો આ વધારો સંપૂર્ણપણે સાતમા પગારપંચના ધોરણ મુજબ જ લાગુ પડશે અને 50 પૈસા અથવા તેથી વધુની રકમને પૂર્ણ રૂપિયા ગણાશે. પંચાયતો તથા અનુદાનિત સંસ્થાઓને પડતા વધારાના નાણાકીય બોજને પણ સરકાર નક્કી કરેલા નિયમો મુજબ વિનિયમિત કરશે.

એકંદરે જોવામાં આવે તો રાજ્ય સરકારનો આ નિર્ણય કર્મચારીવર્ગ માટે ઉનાળાની ગરમીમાં ઠંડક સમાન સાબિત થયો છે. મે મહિનાના પગાર સાથે વધારેલો DA અને ચાર મહિનાનો એરીયર્સ મળતા સરકારી નોકરિયાત વર્ગમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે, જ્યારે પેન્શનરો માટે પણ આ નિર્ણય મોટી રાહતરૂપ બની રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande