
ભાવનગર,05 મે (હિ.સ.)ભાવનગર જિલ્લામાં સિદસર ખાતે આવેલી પી. એમ. શ્રી મોડેલ સ્કૂલ દ્વારા વર્ષ 2026ની ધોરણ-12 બોર્ડ પરીક્ષામાં સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ બંનેમાં 100% પરિણામ મેળવી એક ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે. આ પરિણામ શાળાની ગુણવત્તાયુક્ત શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકોના સમર્પિત માર્ગદર્શનનું પ્રતિબિંબ છે.
શાળાના તમામ વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ ગુણ સાથે સફળતા મેળવી શાળાનું નામ જિલ્લામાં ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે. ખાસ નોંધનીય બાબત એ છે કે સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના મોટાભાગના વિદ્યાર્થીઓ આર્થિક રીતે પછાત અને મધ્યમ વર્ગના હોવા છતાં કોઈપણ પ્રકારના ખાનગી ટ્યુશન વગર માત્ર શાળાના શિક્ષણ દ્વારા આ સફળતા પ્રાપ્ત કરી છે.
શાળાના આચાર્ય ડો. પ્રકાશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, શાળાએ સતત ત્રણ વર્ષથી વિજ્ઞાન પ્રવાહમાં 100% પરિણામ જાળવી રાખ્યું છે, જે શાળા માટે ગૌરવની પરંપરા બની ગઈ છે.
સામાન્ય પ્રવાહમાં દિવ્યાબેન કાળુભાઈ ખસિયા 89.86% (PR-98.33), કોમલબેન પાંચાભાઈ સરવૈયા 87.14% (PR-96.72) અને વૈશાલીબેન શંભુભાઈ જેઠવા 86.14% (PR-96) મેળવી ટોચના સ્થાને રહ્યા છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં નયનાબેન બટુકભાઈ ચૌહાણ 83.85% (PR-93.51), અક્ષરા સતિષભાઈ ચૌહાણ 82.31% (PR-91.64) અને ધ્રુવીબેન ભભલુભાઈ મોભ 77.85% (PR-83.99) સાથે શ્રેષ્ઠ પરિણામ નોંધાવ્યું છે.
આ સફળતા માટે વિદ્યાર્થીઓની અવિરત મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને વાલીગણનો સહયોગ મુખ્ય કારણ ગણાવવામાં આવે છે. શાળા પરિવાર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી છે. આ ઉત્તમ પરિણામથી સિદસર વિસ્તારમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT