
સુરત, 06 મે (હિ.સ.)-સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાના શંકાસ્પદ રેકેટનો મોટો ભાંડો ફૂટ્યો છે. વરાછા રોડ પર આવેલી મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ પર આરોગ્ય વિભાગે ઓચિંતો દરોડો પાડી સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલની ટીમે હોસ્પિટલના પ્રથમ અને બીજા માળે તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી ગેરકાયદે ગર્ભપાત માટે આવેલી ત્રણ સગર્ભા મહિલાઓ મળી આવી હતી. હોસ્પિટલમાં કામ કરતી એક સફાઈ કર્મચારીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે રામગોપાલ ખંડેલવાલ નામનો ફાર્માસિસ્ટ અહીં મહિલાઓના ઓપરેશન કરતો હતો.
દરોડાની કાર્યવાહી દરમિયાન સર્જાયેલી અફરાતફરીમાં વ્યારાની 24 વર્ષીય સગર્ભા મહિલા હોસ્પિટલમાંથી ભાગી છૂટી હતી, જ્યારે અન્ય બે મહિલાઓને સારવાર અને વધુ તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને મમતા હોસ્પિટલને સીલ મારી દીધી છે. વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ PC & PNDT એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
પોલીસ અને આરોગ્ય વિભાગ હવે આ ગેરકાયદે રેકેટમાં અન્ય કોઈ ડોક્ટર અથવા મેડિકલ ક્ષેત્રના લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધારી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે