
કચ્છ, 06 મે (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં IPL-2026 દરમિયાન ઓનલાઈન ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. માંડવી શહેરમાં ચાલી રહેલા લાઇવ ક્રિકેટ મેચ પર રન-ફરક અને હારજીતના સોદા લગાવી ક્રિકેટ સટ્ટો રમતા એક ઇસમને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી મોબાઇલ, રોકડ રકમ અને બેટિંગ આઈડીમાં રહેલું બેલેન્સ મળી કુલ ₹37,014નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એલ.સી.બી.ના એ.એસ.આઈ દેવજીભાઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ દેસાઈ તથા મુળરાજભાઈ ગઢવી માંડવી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે ગૌરી હોસ્પિટલ નજીક વિશ્વાસુ બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે એક શખ્સ IPL-2026ની દિલ્હી અને ચેન્નઈ વચ્ચે રમાતી લાઇવ T-20 મેચ પર ઓનલાઈન સટ્ટો ચલાવી રહ્યો છે.
માહિતીના આધારે પોલીસે તરત જ ગૌરી હોસ્પિટલ નજીક દરોડો પાડી મલકેશ કમલેશભાઈ વાધેલા (ઉ.વ.31), રહે. ગૌરી હોસ્પિટલ બાજુ, માંડવી નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીના મોબાઇલ ફોનમાં LOTUS 365 નામની બેટિંગ આઈડી સક્રિય હાલતમાં મળી આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ દિલ્હી ટીમની જીત પર ₹1,500નો સોદો લગાવ્યો હતો અને બેટિંગ આઈડીમાં ₹10,514નું બેલેન્સ રાખી ઓનલાઈન જુગાર રમી રહ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ક્રિકેટ સટ્ટામાં ઉપયોગમાં લેવાયેલ એક મોબાઇલ ફોન, ₹6,500ની રોકડ રકમ તથા ઓનલાઈન આઈડીમાં રહેલું ₹10,514 બેલેન્સ સહિત કુલ ₹37,014નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નંબર 188/2026 મુજબ જુગારધારા કલમ 12(એ) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
IPL જેવી લોકપ્રિય ટુર્નામેન્ટ દરમિયાન જિલ્લામાં સટ્ટાબાજીનું જાળું ફેલાવવાનો પ્રયાસ કરનારાઓ સામે પશ્ચિમ કચ્છ પોલીસનું આ ઓપરેશન કડક સંદેશ સમાન માનવામાં આવી રહ્યું છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ઓનલાઈન હોય કે ઓફલાઈન — જુગાર અને ક્રિકેટ સટ્ટાની કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિને બરદાશ્ત કરવામાં નહીં આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar