
-કુંકાવાવ જકાતનાકા પાસે ટ્રક ભડભડ સળગી ઉઠ્યો, અમરેલી ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
અમરેલી, 06 મે (હિ.સ.) અમરેલી નજીક કુંકાવાવ જકાતનાકા પાસે એક ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મુજબ ટ્રક નંબર GJ 01 UU 4199 માં અચાનક આગ ભભૂકી ઉઠતા ટ્રક ભડભડ સળગી ઉઠ્યો હતો. ઘટનાને કારણે હાઈવે પર પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
આ ઘટનાની જાણ થતા જ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ ફાયર ટીમ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા કામગીરી શરૂ કરી હતી. ફાયર કર્મચારીઓએ પોતાની સૂઝબૂઝ અને ઝડપી કામગીરીના કારણે પાણીનો સતત મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી.
ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જોકે પ્રાથમિક રીતે ટેક્નિકલ ખામી કે શોર્ટ સર્કિટને કારણભૂત માનવામાં આવી રહ્યું છે.
આ કામગીરી દરમિયાન ફાયર સ્ટાફના ભગવતસિંહ ગોહિલ તથા કૃષ્ણભાઈ ઓળકિયાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai