
નવી દિલ્હી, 08 મે (હિ.સ.) 'આખરી સવાલ'નું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેણે આવતાની સાથે જ સોશિયલ મીડિયા અને દર્શકોમાં ભારે ઉત્તેજના જગાડી દીધી છે. સંજય દત્ત અભિનીત આ ફિલ્મ તેના સાહસિક વિષય અને તીખા સવાલોને કારણે પહેલાથી જ ચર્ચામાં હતી, ત્યારે હવે ટ્રેલરે આ ચર્ચાને વધુ તેજ બનાવી દીધી છે. દમદાર સંવાદો અને ગહન કથાથી ભરપૂર આ ટ્રેલર દેશના ઇતિહાસ અને વ્યવસ્થા સાથે જોડાયેલા એવા સવાલોને સામે લાવે છે, જેના પર લાંબા સમયથી ચર્ચા થતી રહી છે.
ફિલ્મમાં મહાત્મા ગાંધીની હત્યામાં આરએસએસની કથિત સંડોવણી, બાબરી મસ્જિદ વિધ્વંસ અને ભારતીય કટોકટી જેવા સંવેદનશીલ મુદ્દાઓને દર્શાવવામાં આવ્યા છે. ટ્રેલર આ ઘટનાઓ સાથે જોડાયેલા કથિત રહસ્યો અને વણઉકેલ્યા પ્રશ્નોના પડ ખોલવાનો પ્રયાસ કરતું જોવા મળે છે. સંજય દત્ત ટ્રેલરમાં અનેક પ્રભાવશાળી સંવાદો બોલતા જોવા મળી રહ્યા છે, જ્યારે સમીરા રેડ્ડીનું પુનરાગમન પણ દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ ઉપરાંત નમાશી ચક્રવર્તી, અમિત સાધ, નીતુ ચંદ્રા અને ત્રિધા ચૌધરી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.
ફિલ્મનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિજીત મોહન વારંગે કર્યું છે. ફિલ્મની વાર્તા, પટકથા અને સંવાદો ઉત્કર્ષ નૈથાનીએ લખ્યા છે. ખાસ વાત એ છે કે, 'આખરી સવાલ' પહેલી એવી હિન્દી ફિલ્મ હોવાનું કહેવાય છે, જેને બધિર દર્શકો માટે ભારતીય સાંકેતિક ભાષા સાથે રિલીઝ કરવામાં આવશે, જ્યારે દ્રષ્ટિહીન દર્શકો માટે પણ તેને વધુ સુલભ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નિખિલ નંદા દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું નિર્માણ નિખિલ નંદા અને સંજય દત્તે કર્યું છે. આ ફિલ્મ 15 મેના રોજ હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ