




કોવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, વડુ પોલીસ પહોંચી ઘટના સ્થળે
પોલીસે મૃતદેહની ઓળખ કરવા માટે કાર્યવાહી હાથ ધરી
મૃતદેહને વડુના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
યુવકનું મૃત્યુ કયા કારણોસર થયું છે, તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી
ભરૂચ 07 જૂન (હિ.સ.) વડુ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાંથી એક અજાણ્યા આશરે 25 થી 35 વર્ષીય યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ વડુ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડુ નજીકના સીમ વિસ્તારમાંથી પસાર થતા સ્થાનિક લોકોને એક અજાણ્યા યુવકનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થઈ હતી. જેથી આ અંગે સ્થાનિકોએ તુરંત જ વડુ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વડુ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં યુવકનો મૃતદેહ તદ્દન કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુ બે થી ત્રણ દિવસ પહેલાં થયું હોઈ શકે છે.
ઓળખ મેળવવા પોલીસના ચક્રો ગતિમાન કર્યા છે -
મૃતદેહ એટલી હદે કોહવાઈ ગયો છે કે તેની પ્રાથમિક ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. આથી પોલીસે આસપાસના ગામો તેમજ જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનોમાં ગુમ થયેલા વ્યક્તિઓની યાદી મંગાવીને મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે-
પોલીસે ઘટનાસ્થળે જરૂરી પંચનામું અને કાયદાકીય કાગળો તૈયાર કર્યા બાદ, મૃતદેહને પેનલ ડોક્ટર દ્વારા ચોક્કસ મૃત્યુનું કારણ જાણવા અર્થે વડુના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.
યુવકનું મૃત્યુ કોઈ અકસ્માત, આત્મહત્યા કે, પછી તેની હત્યા કરીને પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને અવાવરું જગ્યાએ ફેંકી દેવામાં આવી છે? તે તમામ દિશાઓમાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મોતના સાચા કારણ પરથી પડદો ઊંચકાશે તેમ પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ