



પોરબંદર, 07 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના અંતર્ગત શહેરના શેરી ફેરીયાઓને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવા તથા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાના હેતુથી આયોજિત સ્વનિધિ મહોત્સવ અંતર્ગત બીજો કેમ્પ ગધાઈ વાળાના નાકે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો.
પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની સૂચના અને મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં વોર્ડ નં. 5 અને 6 ના શેરી ફેરીયાઓ, નાના વેપારીઓ અને સ્વરોજગારી સાથે જોડાયેલા લાભાર્થીઓને યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એફ.એલ.સી. ઝાહિદ ખોખર દ્વારા નાણાકીય સાક્ષરતા, બચતની આદતો, સુરક્ષિત બેંકિંગ વ્યવહારો તેમજ વધતા જતા સાયબર ફ્રોડથી બચવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમજ કેમ્પ દરમિયાન પાત્ર લાભાર્થીઓને પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ મળતી જામીનગીરીમુક્ત વર્કિંગ કેપિટલ લોન, રૂ-પે ક્રેડિટ કાર્ડ, વ્યાજ સબસિડી, ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેશબેક તેમજ સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ અંગે માર્ગદર્શન એન યુ એલ એમ પ્રોજેક્ટના મેનેજર આરતીબેન ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે વધુમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના નાના વેપારીઓ અને શેરી ફેરીયાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી હોવાનું પણ ઉમેર્યું હતું. યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં રૂ. 15,000, બીજા તબક્કામાં રૂ. 25,000 અને ત્રીજા તબક્કામાં રૂ. 50,000 સુધીની જામીનગીરીમુક્ત લોન આપવામાં આવે છે. સમયસર લોનની ચુકવણી કરનાર લાભાર્થીઓને 7 ટકા વ્યાજ સબસિડી તેમજ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર વાર્ષિક રૂ. 1,600સુધીનું કેશબેક પણ આપવામાં આવે છે.
ઉપરાંત બીજા તબક્કાની લોન પૂર્ણ કરનાર લાભાર્થીઓને રૂ.30,000 સુધીની મર્યાદાવાળું UPI આધારિત રૂ-પે ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે. કેમ્પ દરમિયાન ખાસ ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે આ યોજના માત્ર શાકભાજી કે ફળ વેચતા વેપારીઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ કુલ 43 જેટલા વિવિધ પ્રકારના વ્યવસાયો સાથે જોડાયેલા લોકોને તેનો લાભ મળી શકે છે. જેમાં સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ, ચા-નાસ્તાની લારીઓ, ફળ-શાકભાજી વેચનાર, કપડાં અને હેન્ડલૂમ વેપારીઓ, ઘર વપરાશની વસ્તુઓ વેચનાર, હસ્તકલા કારીગરો, રમકડાં અને પ્લાસ્ટિક વસ્તુઓના વેપારીઓ, પૂજા સામગ્રી વેચનાર સહિતના અનેક વ્યવસાયકારોનો સમાવેશ થાય છે.
ઉપરાંત બાર્બર, હેર ડ્રેસર, ધોબી, મોચી, સાયકલ અને ઓટોમોબાઇલ રિપેરિંગ કરનાર, કુરિયર સેવા આપનાર, ટેન્ટ વ્યવસાયકારો, ઝેરોક્સ અને લેમિનેશન સેવા આપનાર, લોહારી અને સુથારી કામ સાથે જોડાયેલા કારીગરો, કાર-બાઈક ધોવાનું કામ કરનાર, બુક બાઈન્ડિંગ, ફોટો ફ્રેમ બનાવનાર, લોટ ચક્કી સંચાલકો, પરિવહન સેવા આપનાર તેમજ ઘરેથી ઘર સુધી કચરો એકત્ર કરવાની સેવા આપતા લોકો સહિત અનેક પ્રકારના સ્વરોજગારી સાથે જોડાયેલા પરિવારોને પણ યોજનાનો લાભ મળી શકે છે.
સ્વનિધિ સે સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓ અને તેમના પરિવારજનોને કેન્દ્ર સરકારની વિવિધ સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે લાભાર્થી પરિવારોને આરોગ્ય, વીમા, પેન્શન અને અન્ય સરકારી યોજનાઓનો સીધો લાભ મળી શકે છે. મહાનગરપાલિકા દ્વારા આગામી એક મહિના દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવા કેમ્પો યોજી વધુમાં વધુ શેરી ફેરીયાઓને યોજનાનો લાભ પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
પોરબંદર મહાનગરપાલિકાનું લક્ષ્ય શહેરના હજારો નાના વેપારીઓને આર્થિક રીતે મજબૂત બનાવી તેમને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાનું છે, જેથી તેમના ધંધા-રોજગારનો વિકાસ થાય અને શહેરના સ્થાનિક અર્થતંત્રને પણ નવી ગતિ મળે. આ કેમ્પમાં કોર્પોરેટર અફજલભાઈ પટેલ, રેખાબેન રમેશભાઈ લુંદરીયા, યોગેશભાઈ પુનાણી, જ્યોતિબેન આસોડિયા, હર્ષદભાઈ બામણીયા તથા ઇલાબેન લાખાણી, મહાનગરપાલિકાના એન યુ એલ એમ પ્રોજેક્ટના કોડીનેટર મનીષાબેન ચાંચિયા, અલ્પા બેન મકવાણા તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya