
ભાવનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા આંબેડકર ચોક નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. અકસ્માતના બનાવને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ ભારતીબેન જેઠવા અને લક્ષ્મણભાઈ જેઠવા બાઈક પર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન આંબેડકર ચોક નજીક કોઈ કારણોસર બાઈક રસ્તા પર ફ્લિપ થઈ ગયું હતું. બાઈક પડી જતાં બંને વ્યક્તિઓ રસ્તા પર પટકાયા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રેક્ટરનું વ્હીલ બંને વ્યક્તિઓ પરથી ફરી વળ્યું હોવાની માહિતી સામે આવી છે.
અકસ્મિક રીતે બનેલી આ ઘટનામાં બંનેને ઈજા પહોંચતા સ્થાનિક લોકો દ્વારા મદદ માટે દોડધામ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે સ્થળ પર થોડા સમય માટે લોકોની ભીડ એકત્ર થઈ હતી.
અકસ્મતમાં બાઈકને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત કયા કારણોસર સર્જાયો અને ટ્રેક્ટર ચાલકની ભૂમિકા અંગે વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA