ઈશ્વરિયામાં ઉજવાયો ‘સિંહ દિવસ’
ભાવનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) ઈશ્વરિયા ગામે સોમવાર, તા. 10 ઓગસ્ટ, 2026ના રોજ શાળા પરિવારના સંકલન સાથે ‘સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. સિંહ સંરક્ષણ અને વન્યજીવો પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્
વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી


ભાવનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) ઈશ્વરિયા ગામે સોમવાર, તા. 10 ઓગસ્ટ, 2026ના રોજ શાળા પરિવારના સંકલન સાથે ‘સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. સિંહ સંરક્ષણ અને વન્યજીવો પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સિહોર તાલુકા ‘સિંહ દિવસ’ સંયોજક મુકેશ પંડિતની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માધ્યમિક શાળાના આચાર્ય ચિંતન ત્રિવેદી અને પ્રાથમિક શાળાના આચાર્ય કિશોર ઢેઢીના સંકલન અને માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સિંહના જીવન, રહેઠાણ, ખોરાક, કુદરતી પર્યાવરણમાં તેની ભૂમિકા તેમજ સિંહ સંરક્ષણના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. ગુજરાતની ઓળખ સાથે જોડાયેલા એશિયાટિક સિંહના સંરક્ષણ માટે વન્યજીવો અને કુદરતી પર્યાવરણની જાળવણી જરૂરી હોવાનું સમજાવવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓએ સિંહ અને અન્ય વન્યજીવો અંગેની માહિતી મેળવી પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી સમજવાનો પ્રયાસ કર્યો હતો. વન્યજીવોનું સંરક્ષણ માત્ર વન વિભાગની જવાબદારી ન રહે પરંતુ સમાજના દરેક વર્ગની સહભાગિતા જરૂરી બને તે અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

કાર્યક્રમમાં ગામના અગ્રણી વીરશંગ સોલંકી અને ત્રિકમ નાકરાણી પણ જોડાયા હતા. શાળા પરિવારના સંકલનથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં સિંહ પ્રત્યેની સમજ અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande