
પાટણ, 10 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ LCB ટીમે સિદ્ધપુર હાઈવે પર સરસ્વતી નદીના પુલ નજીક વોચ ગોઠવી પાલનપુરથી મહેસાણા તરફ જઈ રહેલી શંકાસ્પદ ટ્રકને ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન તાર્પત્રી નીચે છુપાવેલો રોયલ સ્ટેગ અને રોયલ ચેલેન્જ બ્રાન્ડનો પરપ્રાંતીય દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કુલ 15,486 બોટલ એટલે કે 842 પેટી દારૂ જપ્ત કર્યો હતો. દારૂની કિંમત રૂ.1.31 કરોડ, ટ્રક રૂ.15 લાખ અને મોબાઇલ સહિત કુલ રૂ.1,46,45,200નો મુદ્દામાલ કબજે કરાયો છે.
પોલીસને ગેરમાર્ગે દોરવા ટ્રક પર ખોટી નંબર પ્લેટ GJ.15.AV.7399 લગાવવામાં આવી હતી. તપાસમાં ટ્રકનો સાચો નંબર GJ.03.BW.7380 હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રાજસ્થાનના ટ્રક ચાલક અચલારામ આસુરામ સિયાગની ધરપકડ કરી છે.
પ્રાથમિક પૂછપરછમાં ચાલકે જણાવ્યું કે ટ્રક તેને સાંચોર RTO નજીક મહેશ બિશ્નોઈએ આપી હતી અને અમદાવાદ પહોંચીને ફોન કરવાનું કહ્યું હતું. દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત બે શખ્સો ફરાર છે. સિદ્ધપુર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ