ભાવનગર યુનિવર્સિટીમાં ‘વંદે માતરમ્–રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ
ભાવનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં શારીરિક શિક્ષણ વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. 9થી 15 ઓગસ્ટ દરમિયાન યોજાનારા ‘વંદે માતરમ્–રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્ર
‘વંદે માતરમ્–રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ કરવામાં આવ્યો


ભાવનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં શારીરિક શિક્ષણ વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. 9થી 15 ઓગસ્ટ દરમિયાન યોજાનારા ‘વંદે માતરમ્–રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણી, કુલપતિ ડૉ. ભરત રામાનુજ અને પદ્મશ્રી ડૉ. વિષ્ણુ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

જીતુ વાઘાણીએ સાત દિવસીય રાષ્ટ્રવંદના સપ્તાહના આયોજન બદલ યુનિવર્સિટી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રભાવનાને નવી પેઢી સાથે જોડતું આ પ્રકારનું આયોજન પ્રશંસનીય છે અને ‘વંદે માતરમ્’ની ભાવના તથા રાષ્ટ્રપ્રેમનો સંદેશ વધુ લોકો સુધી પહોંચવો જોઈએ.

ડૉ. ભરત રામાનુજે જણાવ્યું હતું કે, પોતાના કાર્યને નાનું કે મોટું ગણ્યા વિના નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવું એ સાચી રાષ્ટ્રવંદના છે. વીજળી અને પાણીની બચત, પર્યાવરણનું જતન અને પોતાની જવાબદારીનું પાલન જેવા પ્રયાસો પણ દેશસેવાનું સ્વરૂપ છે.

મોરારીબાપુએ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના રાષ્ટ્રસમર્પણને યાદ કરી ‘વંદે માતરમ્’નું માત્ર ગાન નહીં પરંતુ ભાન પણ જીવનમાં જળવાઈ રહે તેવો સંદેશ આપ્યો હતો.

પદ્મશ્રી ડૉ. વિષ્ણુ પંડ્યાએ ‘વંદે માતરમ્’ ગીતની રચના, ઐતિહાસિક સંદર્ભો અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં લોકવાદ્યવૃંદની ભાવસભર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સપ્તાહ દરમિયાન રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રનિર્માણના મૂલ્યોને ઉજાગર કરતાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande