
પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે પાટણ શહેરમાં વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. આ અંતર્ગત પાટણ નગરપાલિકાની સમાજ સંગઠન શાખા અને અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે જૂની મિલન સિનેમા નજીક આવેલા રેન બસેરા ખાતે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આશ્રય લઈ રહેલા ભિક્ષુકો તેમજ જરૂરિયાતમંદ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
આરોગ્ય કેમ્પ દરમિયાન લોકોના બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સહિતની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત નગરપાલિકાના કોર્પોરેટરોનું પણ BP અને ડાયાબિટીસનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ સાથે પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.
સેવાકીય કાર્યક્રમમાં સમાજ સંગઠન શાખાના ચેરમેન છાયાબેન પટેલ, સાધનાબેન પરમાર, રાજુભાઈ ઝાલા સહિત શાખાના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જન્મદિવસની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્યલક્ષી સેવાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ