
પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.)પાટણના પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલા દશામા શક્તિપીઠ ખાતે બુધવારથી દશામાના દસ દિવસીય વ્રતનો પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મહિલાઓ અને શ્રદ્ધાળુઓ દર્શન-પૂજન માટે ઉમટી પડ્યા હતા. વ્રતધારી મહિલાઓએ ઘરે બાજોઠ પર લાલ કાપડ પાથરી દશામાની મૂર્તિ સ્થાપી કળશ પર આસોપાલવના પાંચ પાન મૂક્યા હતા. ત્યારબાદ સૂતરના દસ તાંતણાની દસ ગાંઠ વાળી વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.
મહિલાઓએ દશામાની મૂર્તિને કંકુ, અબીલ-ગુલાલ, શ્રીફળ સહિત વિવિધ પ્રસાદ અર્પણ કરી પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સિદ્ધનાથ મહાદેવ મંદિરના પૂજારી કલ્પેશ રાવલે જણાવ્યું હતું કે દશામાના વ્રતથી પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે. મંદિર પરિસરમાં માતાજીની કચ્છના રણમાંથી પ્રગટ્યા હોય તેવી ‘આગી’ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.
દસ દિવસીય વ્રતને લઈને દશામા શક્તિપીઠ નજીકના મેદાનમાં મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. વ્રતના અંતિમ દિવસે માતાજીની મહાઆરતી યોજાશે. ત્યારબાદ મંદિર પરિસરમાં બનાવવામાં આવેલા કુંડમાં દશામાતાની મૂર્તિઓનું વિધિવત વિસર્જન કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ