
કચ્છ, 12 ઓગસ્ટ (હિ.સ.) ભચાઉ તાલુકામાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની માનવબળ આધારિત માહિતી અને ટેકનિકલ સર્વેલન્સના સંયુક્ત પ્રયાસોથી આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
પૂર્વ કચ્છમાં ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપનારા તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા પોલીસ તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ભચાઉ પોલીસે આ કેસમાં ઝડપી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, 11 ઓગસ્ટ 2026ના રોજ ભચાઉ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાને પગલે બી.એન.એસ.ની કલમ 103(1) તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધાયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે આરોપીને વહેલી તકે શોધી કાઢવા માટે પોલીસ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી.
પોલીસે તપાસ દરમિયાન વિવિધ દિશામાં માહિતી એકત્રિત કરી હતી. માનવ સ્ત્રોતો પાસેથી મળતી વિગતોને ટેકનિકલ સર્વેલન્સ સાથે સાંકળી પોલીસે સંભવિત સ્થળો અને વ્યક્તિઓ અંગે તપાસ આગળ ધપાવી હતી. સતત મળતી કડીઓના આધારે પોલીસ ટીમ આરોપી સુધી પહોંચી હતી અને આખરે રમેશ બળવંતસિંહ બારીયા, ને ઝડપી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી હાલ ભચાઉ તાલુકાના આમરડી વિસ્તારમાં કરશન વેલજીભાઈ ગામીની વાડીમાં રહેતો હતો, જ્યારે તેનું મૂળ વતન પંચમહાલ જિલ્લાના મોરવા હડફનું ભીલ ફળિયું હોવાનું સામે આવ્યું છે.
હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. ગંભીર ગુનામાં પોલીસની ઝડપી કાર્યવાહીથી આરોપીને ટૂંકા સમયગાળામાં કાયદાની પકડમાં લાવવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar