
પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.)રાજ્યભરમાં જન્મ અને મરણના દાખલા મેળવવા અરજદારોને ભારે હાલાકી પડી રહી છે. CRS પોર્ટલ પરથી ‘બર્થ વેરિફિકેશન’ અને ‘ડેથ વેરિફિકેશન’ના વિકલ્પો અચાનક દૂર થતાં પાલિકા કક્ષાએ પ્રમાણપત્ર આપવાની કામગીરી ઠપ્પ થઈ છે.
સરકારે 1 જાન્યુઆરી 2015થી 31 ડિસેમ્બર 2025 સુધીના બારકોડવાળા જન્મ-મરણના પ્રમાણપત્રોનો ડેટા CRS પોર્ટલ પર ટ્રાન્સફર કર્યો હતો. આ ડેટાના વેરિફિકેશન બાદ પાલિકા દ્વારા અરજદારોને પ્રમાણપત્ર આપવામાં આવતા હતા.
વેરિફિકેશનની સુવિધા બંધ થતાં રોજિંદા દાખલા લેવા આવતા લોકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. સરકારી યોજનાઓ, શાળા-કોલેજ પ્રવેશ, પાસપોર્ટ સહિતની કામગીરી માટે દાખલા જરૂરી હોવાથી અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સમસ્યાને પગલે પાલિકા તંત્રે સંબંધિત સરકારી વિભાગને પત્ર લખી રજૂઆત કરી છે. CRS પોર્ટલ પર બર્થ અને ડેથ વેરિફિકેશનનો વિકલ્પ તાત્કાલિક પુનઃ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ