


અમરેલી/અમદાવાદ,15 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાતમાં આ વર્ષે રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અમરેલીમાં કરવામાં આવી. અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું. હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા, ઝરમર વરસાદ વચ્ચે મહિલા જવાનોની રાઇફલ ડ્રીલ પ્રસ્તુતિ, દ્વારકાધીશના શિખરે તિરંગા રંગની ધજા લહેરાઈ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવ્યા બાદ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ દરમિયાન વાતાવરણ દેશભક્તિના નાદથી ગુંજી ઊઠ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે અમરેલી જિલ્લાને વિકાસકાર્યોની મોટી ભેટ પણ મળી છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના આશરે 403 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી એ કહ્યું- ગુજરાતના લોકો એકસાથે મળીને કામ કરે તો કઈ અશક્ય નથી. આ ઉપરાંત તેમણે નાગરિકોની સુવિધા સુખાકારી માટે મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી.
આ ખાસ પ્રસંગે પોલીસજવાનોની શિસ્તબદ્ધ પરેડ, મહિલા જવાનોની રાઇફલ ડ્રીલ, સાંસ્કૃતિક કૃતિઓ, યોગ, બાઈક સ્ટંટ, ડોગ-શો અને માઉન્ટેડ અશ્વ-શો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ ઉપરાંત વડોદરામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ વિવિધ જિલ્લામથકોએ મંત્રીઓ અને કલેક્ટરોની અધ્યક્ષતામાં ધ્વજવંદન સમારોહ યોજાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ