
મહેસાણા, 17 ઓગસ્ટ (હિ.સ.) : સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે સમરસતાના સંદેશ સાથે કાશીથી કર્ણાવતી સુધી કળશ યાત્રા યોજાઈ રહી છે. આ યાત્રાના ભાગરૂપે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહેસાણા ખાતે જિલ્લા કક્ષાનો કળશ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના સમરસતા, સમાનતા અને ભાઈચારાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. કળશ યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ શ્રદ્ધાળુઓ અને સમાજના આગેવાનો દ્વારા કળશ પૂજન અને સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
મહેસાણા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાધુ-સંતો, વિવિધ મંડળોના આગેવાનો, પદાધિકારીઓ તથા સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કળશ પૂજાનો લાભ લીધો હતો અને સમરસ સમાજના નિર્માણ માટે સૌને સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સમાજમાં ભેદભાવ દૂર કરી સૌને સમાન અધિકાર અને સન્માન મળે તેવા વિચારોને આગળ વધારવા પર ભાર મૂકાયો હતો. કાશીથી કર્ણાવતી સુધી નીકળેલી આ કળશ યાત્રા દ્વારા સંત ગુરુ રવિદાસ મહારાજના વિચારો અને સમરસતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR