
અમરેલી,17 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આજે વહેલી સવારે અમદાવાદથી આવી રહેલી એક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. સાવરકુંડલાના જૂના બસ સ્ટેશન નજીક બસ અચાનક બે દુકાનો સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે દુકાનોને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
વહેલી સવારે બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાનગી બસ રસ્તા પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન કોઈ કારણોસર બસ બે દુકાનો સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દુકાનોના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું.
અકસ્મતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. બસચાલકે કાબૂ ગુમાવ્યો હતો કે અન્ય કોઈ કારણસર અકસ્માત સર્જાયો તે અંગે તપાસ બાદ જ હકીકત સામે આવશે.સદનસીબે અકસ્માત સમયે બસમાં બેઠેલા મુસાફરોને કોઈ ઈજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે. મોટી દુર્ઘટના ટળી જતાં મુસાફરો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. અકસ્માતને પગલે થોડા સમય માટે વિસ્તારમાં ચકચાર મચી હતી. દુકાનોને થયેલા નુકસાન અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે.અકસ્મતની ઘટનાને પગલે જવાબદાર કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai