
અમરેલી, 17 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના ચિતલ ખાતે ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવા નીરના વધામણાં કરવાનો અવસર મળ્યો હતો. મેઘરાજાની કૃપાથી વિસ્તારમાં આવેલા નવા પાણીનું ગ્રામજનો દ્વારા હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કૌશિક વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય અને તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય તે માટે જળસંચયના પ્રયાસોનું વિશેષ મહત્વ છે. ચિતલ ખાતે નવા નીરના વધામણાં સાથે ગ્રામજનોમાં પણ જળસંચય અને પાણીના સંરક્ષણ અંગે સકારાત્મક સંદેશો પહોંચ્યો હતો.
વરસાદી પાણીનો સંગ્રહ થવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ બનશે તેમજ ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થવાની આશા છે. જળસંચયના આવા પ્રયાસો ખેતી, પશુપાલન અને સમગ્ર ગ્રામ્ય અર્થતંત્ર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
મેઘરાજાના આશીર્વાદથી પાણીની આવક અને ગ્રામજનોના સહકારથી ચિતલ સહિત આસપાસનો વિસ્તાર વધુ સમૃદ્ધ અને હરિયાળો બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગ્રામજનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. પાણી એ જીવનનો આધાર હોવાથી તેનું સંરક્ષણ અને સંગ્રહ કરવો સૌની જવાબદારી છે. ચિતલમાં યોજાયેલ આ પ્રસંગે જળસંચય અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં સામૂહિક પ્રયાસોનો સંદેશ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai