
મહેસાણા, 26 ઓગસ્ટ, 2026 (હિ.સ.)
મહેસાણા LCBએ ચોરી અને સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલા તેમજ છેલ્લા કેટલાક સમયથી ફરાર આરોપીને ઝડપી પાડી કુલ 3 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપી પાસેથી મહેસાણા શહેરમાંથી સ્નેચ કરાયેલી સોનાની ચેન, અમદાવાદમાંથી ચોરી કરાયેલું સુઝુકી એક્સેસ અને મોબાઇલ ફોન સહિત કુલ ₹1.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે શંકાસ્પદ ઈસમ કાળા રંગનું જેકેટ, માસ્ક, ચશ્માં અને ટોપી પહેરી સફેદ રંગની સુઝુકી એક્સેસ પર મહેસાણા શહેરમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે LCBની ટીમે રામપુરા ચોકડી નજીક ખારી નદીના પુલ પાસેથી અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા ઉમેશ ઉર્ફે ખટીક ગુલાબભાઈ મુળાજી ખટીક (ઉંમર 31)ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે તેની પાસેથી ₹1 લાખની આશરે એક તોલાની સોનાની ચેન, ₹30 હજારની સુઝુકી એક્સેસ અને ₹5 હજારનો OnePlus મોબાઇલ સહિત કુલ ₹1.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં આ મુદ્દામાલ મહેસાણા શહેર એ ડિવિઝન, અમદાવાદના નવરંગપુરા અને સરખેજ પોલીસ સ્ટેશનના ગુનાઓ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ મુજબ આરોપીએ મહેસાણાના ધોબીગાટ રોડ પરથી વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરી હતી. વર્ષ 2018માં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી ચોરી કરેલી સુઝુકી એક્સેસનો રંગ પોલીસથી બચવા માટે કાળામાંથી સફેદ કરાવ્યો હોવાની પણ કબૂલાત સામે આવી છે.
આરોપી સામે ગુજરાતમાં અગાઉ પણ ચોરી અને સ્નેચિંગના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આગળની તપાસ માટે આરોપીને મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR