

પાટણ, 27 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર: બળેવ-રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે બ્રાહ્મણ સમાજમાં નૂતન યજ્ઞોપવિત એટલે કે જનોઈ ધારણ કરવાની પવિત્ર ધાર્મિક પરંપરા છે. આ પરંપરાને અનુરૂપ સિદ્ધપુરની તપોભૂમિ ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા સામૂહિક જનોઈ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તપોભૂમિ ખાતે આચાર્ય જયેશભાઈ શુક્લ તથા વૈકુંઠભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ અને પૂર્વ સંસદસભ્ય દિલીપભાઈ પંડ્યાના યજમાન પદે આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બ્રાહ્મણ સમાજના અનેક બ્રહ્મદેવોએ ઉપસ્થિત રહી સામૂહિક રીતે નૂતન યજ્ઞોપવિત ધારણ કર્યું હતું.
શુક્લ યજુર્વેદની વૈદિક પરંપરા મુજબ વિધિવત્ પૂજા-અર્ચના તથા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યજ્ઞોપવિત સંસ્કારની પવિત્ર વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તપોભૂમિ ખાતે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ઉર્વેશ પંડ્યા ઉપરાંત દેવભાઈ તથા આદિ પંડ્યા, ચંદ્રકાંત રાવલ, ડૉ. ભાસ્કરભાઈ, કલ્પેશભાઈ, અનંતભાઈ સહિત બ્રાહ્મણ સમાજના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.
વૈદિક પરંપરા અને ધાર્મિક સંસ્કારોને જાળવી રાખવાના હેતુથી યોજાયેલા આ સામૂહિક જનોઈ સંસ્કાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના સભ્યોએ ભાગ લીધો હતો.
પૂજા-વિધિ અને યજ્ઞોપવિત સંસ્કાર પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌએ બ્રહ્મભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ધાર્મિક ભાવના અને વૈદિક પરંપરાના સંરક્ષણ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ