
ભાવનગર 28 ઓગસ્ટ (હિ.સ.) રેલવે બોર્ડ તેમજ પશ્ચિમ રેલવેના પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક (PCCM-WR) શ્રી તરુણ જૈનના નિર્દેશ અનુસાર રેલ યાત્રિયોને સ્વચ્છ, સુરક્ષિત અને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં કેટરિંગ એકમોનું સઘન સ્વચ્છતા નિરીક્ષણ અને વિશેષ તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં ભાવનગર મંડળમાં પણ કેટરિંગ એકમોની નિયમિત તપાસ અને સ્વચ્છતા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ વાણિજ્ય અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કેટરિંગ એકમોમાં સ્વચ્છતા, ખાદ્ય ગુણવત્તા તેમજ જરૂરી દસ્તાવેજોની તપાસ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ અભિયાનનો હેતુ મુસાફરોને ઉચ્ચ ગુણવત્તાવાળી ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવાની સાથે કેટરિંગ એકમોમાં સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવાનો છે.
ભાવનગર મંડળમાં 15 ઓગસ્ટથી 21 ઓગસ્ટ 2026 દરમિયાન ચલાવવામાં આવેલા Hygiene & Cleanliness Drive અંતર્ગત અધિકારીઓ અને સુપરવાઇઝરો દ્વારા કુલ 49 નિરીક્ષણો કરવામાં આવ્યા હતા. નિરીક્ષણ દરમિયાન કોઈપણ પ્રકારની ગંભીર અનિયમિતતા જોવા મળી નહોતી.
આ જ ક્રમમાં 21 ઓગસ્ટથી 04 સપ્ટેમ્બર 2026 સુધી Food Safety, Hygiene & Cleanliness Campaign ચલાવવામાં આવી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત 26 ઓગસ્ટ 2026 સુધી સ્ટેશનો અને ટ્રેનોને મળીને કુલ 35 તપાસો કરવામાં આવી ચૂકી છે. આ અભિયાન દરમિયાન પણ અત્યાર સુધી કોઈ મોટી અનિયમિતતા સામે આવી નથી.
અભિયાન અંતર્ગત 24 ઓગસ્ટ 2026ના રોજ ભાવનગર પરા ખાતે આવેલી કેટરિંગ એકમનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન વાણિજ્ય નિરીક્ષક તથા આરોગ્ય વિભાગની ટીમને ટી એન્ડ રિફ્રેશમેન્ટ સ્ટોલના વેન્ડર પાસે માન્ય તબીબી પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોવાનું જણાયું હતું. યાત્રિયોની આરોગ્ય સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં ઉક્ત કેટરિંગ એકમને તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યું હતું.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ ભાવનગર મંડળની તમામ કેટરિંગ એકમોના સંચાલકો તથા વેન્ડરોને રેલવે દ્વારા નિર્ધારિત નિયમો અને ધોરણોનું કડકપણે પાલન કરવાની અપીલ કરી છે. તેમણે કેટરિંગ એકમોમાં સ્વચ્છતા જાળવવા તેમજ તમામ જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રો માન્ય તથા અદ્યતન રાખવા પર વિશેષ ભાર મૂક્યો છે.
વર્માએ જણાવ્યું હતું કે રેલ મુસાફરોના આરોગ્ય અને સુવિધા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકારવામાં આવશે નહીં. યાત્રિયોને નિર્ધારિત ધોરણો અનુસાર સ્વચ્છ, સુરક્ષિત અને પૌષ્ટિક ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવી દરેક કેટરિંગ એકમ સંચાલક અને વેન્ડરની જવાબદારી છે.
ભાવનગર મંડળ દ્વારા યાત્રિયોને વધુ સારી કેટરિંગ સુવિધાઓ, ઉચ્ચ ખાદ્ય ગુણવત્તા અને સ્વચ્છ વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે સ્વચ્છતા તથા ખાદ્ય સુરક્ષા સંબંધિત નિરીક્ષણ અને તપાસ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ