પાટણમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત ભવ્ય ‘સંસ્કૃત સાહિત્ય સભા’ યોજાઈ
પાટણ, 29 ઓગસ્ટ (હિ.સ.) પાટણમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત ભવ્ય ‘સંસ્કૃત સાહિત્ય સભા’ યોજાઈ હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર, સંસ્કા
પાટણમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત ભવ્ય ‘સંસ્કૃત સાહિત્ય સભા’ યોજાઈ


પાટણ, 29 ઓગસ્ટ (હિ.સ.)

પાટણમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત ભવ્ય ‘સંસ્કૃત સાહિત્ય સભા’ યોજાઈ હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર, સંસ્કારોનું સિંચન અને સાંસ્કૃતિક વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવાનો હતો.

પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલી સભામાં જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરી અધ્યક્ષસ્થાને રહ્યા હતા. ડૉ. સુમિતભાઈ શાસ્ત્રી, ડૉ. દેવસિંહ બી. રાઠોડ અને મહેશભાઈ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થયો હતો.

મહેશભાઈ જોશીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત સહિતના સંસ્કૃત સાહિત્યનો પરિચય કરાવ્યો હતો. જ્યારે ડૉ. સુમિતભાઈ શાસ્ત્રીએ શ્રીકૃષ્ણ, રાસલીલા અને ગોપીઓના ભાવવિશ્વને સંસ્કૃત ગીતો તથા શ્લોકોના ગાન દ્વારા જીવંત બનાવ્યું હતું. આ પ્રસંગે ગીતાનું સમૂહગાન પણ કરવામાં આવ્યું હતું.

ડૉ. ડી.બી. રાઠોડે પાણિનીના વ્યાકરણગ્રંથનો પરિચય કરાવી સંસ્કૃત વ્યાકરણની વૈજ્ઞાનિકતા સમજાવી હતી. સંસ્કૃતના વર્ણવિન્યાસ અને ૪૨ વર્ણોના વૈજ્ઞાનિક મહત્વ અંગે પણ રસપ્રદ રજૂઆત કરવામાં આવી હતી.

અધ્યક્ષસ્થાનેથી જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ સંસ્કૃત ભાષાને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતન માટે મહત્વપૂર્ણ ગણાવી શિક્ષકોને સંસ્કૃત વિષયમાં શ્રેષ્ઠ કાર્ય કરવા શુભેચ્છા પાઠવી હતી. સભામાં જિલ્લાના વિવિધ શાળાઓના આચાર્યો અને સંસ્કૃત શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ સંસ્કૃત ભાષાનું ગૌરવગાન કરી તેના પ્રચાર-પ્રસારમાં સહભાગી બનવા અને સંસ્કૃતને રોજિંદા જીવનમાં વણી લેવા આહ્વાન કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande