
કચ્છ, 29 ઓગસ્ટ (હિ.સ.) : ગુરુકુળ વિસ્તારના ખાલી પ્લોટમાં પોલીસનો દરોડો, 52 ગંજીપાનાં સાથે જુગારધામનો પર્દાફાશગાંધીધામ શહેરમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસે 13 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીમાં રોકડ રૂ.33,530 તથા 52 ગંજીપાનાં મળી કુલ રૂ.33,530નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પૂર્વ કચ્છમાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ અને સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગાંધીધામના ગુરુકુળ વિસ્તાર નજીક વોર્ડ નં. 10-બી/સીની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં કેટલાક લોકો ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતાં ખુલ્લા પ્લોટમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પરથી કુલ 13 લોકોને ઝડપી લીધા હતા. પોલીસની પૂછપરછ અને સ્થળ તપાસ દરમિયાન રોકડ રકમ રૂ.33,530 તેમજ ગંજીપાનાંના 52 પત્તા મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી મળેલા રોકડ નાણાં અને ગંજીપાનાં સહિત કુલ રૂ.33,530નો મુદ્દામાલ કબજે કરી તમામ ઝડપાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા લોકોમાં પંકજ દેવાભાઈ બારોટ, ભરતકુમાર મનસુખભાઈ સોલંકી, રાજુ પ્રહલાદભાઈ તુરી, હરેશ નટવરલાલ સોલંકી, હિતેષ શંકરભાઈ બારોટ, સંજય રમેશભાઈ તુરી, પ્રકાશ બચુભાઈ રાઠોડ, અજય પુંજાભાઈ રાઠોડ, પંકજ સાગરભાઈ સોલંકી, વલકેશ ઈશ્વરભાઈ સોલંકી, ગૌતમ મલાભાઈ બારોટ, ગિરીશ પુંજાભાઈ બારોટ અને રાહુલ દલસુખભાઈ બારોટનો સમાવેશ થાય છે.
ગાંધીધામ “એ” ડિવિઝન પોલીસની આ કાર્યવાહીને કારણે શહેરમાં જાહેર સ્થળોએ ચાલતી જુગારની પ્રવૃત્તિ સામે પોલીસની સક્રિયતા સ્પષ્ટ થઈ છે. પોલીસ દ્વારા આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar