
બોટાદ, 30 ઓગસ્ટ (હિ.સ.)સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલી શ્રી શાયોના વિદ્યાલય ખાતે રમતોત્સવ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, નાયબ પોલીસ અધિક્ષક એ.એ. સૈયદ, નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ તથા મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એ. ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્ય સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા તેમજ વિદ્યાર્થીઓ અને મહિલાઓમાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તેવા હેતુથી આપવામાં આવેલા કાર્યક્રમના અનુસંધાને બોટાદ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન દ્વારા શ્રી શાયોના વિદ્યાલય ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ માટે સંગીત ખુરશી, દોડ સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાન વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની રમતગમતની પ્રતિભા તેમજ સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું.
સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પુરસ્કાર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમતની ભાવના, સર્જનાત્મકતા, રાષ્ટ્રીય એકતા તથા સરદાર પટેલના જીવન અને રાષ્ટ્ર પ્રત્યેના યોગદાન અંગે જાગૃતિ કેળવવાનો હતો.
કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના PSI એસ.એન. મકવાણા, પોલીસ સ્ટાફ, શાળાના ટ્રસ્ટી નિલેશભાઈ ડાબેચરા, પ્રિન્સિપાલ મૌલિકભાઈ જાની સહિત વિદ્યાર્થીઓ અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA