
જામનગર, 09 ઓગસ્ટ (હિ.સ.) :
જામનગરના વિશ્વવિખ્યાત બ્રાસ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓને રાતોરાત કરોડો રૂપિયાનો ચૂનો લગાવવાના એક આયોજનબદ્ધ કાવતરાનો રાજકોટ પોલીસે પર્દાફાશ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એલાયન્સ મેટલ કંપની સહિતની 12 જેટલી નામાંકિત બ્રાસ પેઢીઓ દ્વારા દિલ્હીથી કુલ 25,441.35 કિલોગ્રામ (અંદાજે 25.5 ટન) બ્રાસ સ્ક્રેપ (પિત્તળનો ભંગાર) મંગાવવામાં આવ્યો હતો. જેની અંદાજિત કિંમત રૂ.2,37,33,134 થવા જાય છે. ગત 31મી જુલાઈના રોજ દિલ્હી સ્થિત શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટની મુખ્ય ઓફિસેથી, ટ્રક (RJ-19-GF-4413) મારફતે આ કિંમતી માલ જામનગર આવવા રવાના થયો હતો.
પરંતુ, આ માલ જામનગર પહોંચે તે પહેલાં જ રસ્તામાં જ ગાયબ થઈ જતાં જામનગરના બ્રાસ ઉદ્યોગ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. ગત 5મી ઓગસ્ટના રોજ નિયત સમયે માલની ડિલિવરી ન મળતા જામનગરના વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટ કંપનીનો સંપર્ક સાધતા આ મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
આ સમગ્ર કૌભાંડને રાજસ્થાનના જોધપુરના વતની એવા ડ્રાઈવર મનોહરસિંગ કરણસિંગ અને ક્લીનર પ્રતાપસિંગે અંજામ આપ્યો હતો.
ગત 4થી ઓગસ્ટના રોજ બપોરના સમયે આ ટ્રક રાજકોટના ઢેબર રોડ પર આવેલી શ્યામ ટ્રાન્સપોર્ટની પેઢી પર પહોંચ્યો હતો. કુલ 27 ટન માલમાંથી રાજકોટની સ્થાનિક પાર્ટીઓનો 2 ટન માલ ઓફિસે ઉતારી લીધા બાદ, ટ્રાન્સપોર્ટ મેનેજર પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા ડ્રાઈવરને નો-એન્ટ્રીનો સમય પૂરો થયા પછી બાકીનો 25.5 ટન માલ જામનગર પહોંચાડવાની કડક સૂચના આપવામાં આવી હતી.
જોકે, આર્થિક લાલચમાં આવી ગયેલા ડ્રાઈવર અને ક્લીનરે રાતોરાત અન્ય શખ્સો સાથે મળીને જામનગર મોકલવાનો કરોડો રૂપિયાનો આ માલ કોઈ અજ્ઞાત સ્થળે બારોબાર વેચી મારી સગેવગે કરી નાખ્યો હતો. બીજા દિવસે જામનગરથી વેપારીઓના ફોન આવતા મેનેજરે તપાસ શરૂ કરી, જેમાં ડ્રાઈવર-ક્લીનરના ફોન સ્વીચઓફ જણાયા હતા અને ખાલીખમ ટ્રક રાજકોટ ટ્રાન્સપોર્ટ ઓફિસની પાછળ બિનવારસી અને ખુલ્લી હાલતમાં મળી આવ્યો હતો.
ટ્રકની કેબિનમાંથી જામનગરના વેપારીઓની માલની બિલ્ટીઓની ફાઈલ મળી આવતા સ્પષ્ટ થઈ ગયું હતું કે, જામનગરનો કરોડોનો માલ ચાઉં થઈ ગયો છે. આ ગંભીર ઘટના અંગે શ્યામ ટ્રાન્સપોર્ટ (જેના માલિક દિલ્હી રહેતા નીતિનભાઈ રૂડકીવાલા છે) ના ગોંડલના હડમતાળા ખાતે રહેતા મેનેજર પૃથ્વીરાજસિંહ રેવતુભા જાડેજા (ઉ.વ. 35) દ્વારા રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ભક્તિનગર પીઆઇ જે.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે જીપીએસ ફ્લીટ ટ્રેકિંગ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીના કલાકોમાં જ, બંને આરોપીઓને દબોચી લીધા હતા. જામનગરના ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર એ છે કે, પોલીસે બંને શખ્સોની સઘન પૂછપરછ શરૂ કરી છે, જેથી સગેવગે કરાયેલો તમામ મુદ્દામાલ ઝડપથી રિકવર કરી શકાય અને આ કાવતરામાં સામેલ અન્ય સાગરીતોને પણ કાયદાના સકંજામાં લઈ શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt