ભાવનગરમાં જન્માષ્ટમીના મેળામાં 30 હજાર બાળકોને નિઃશુલ્ક પાસ અપાશે
ભાવનગર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે શહેરના જવાહર મેદાન ખાતે ત્રણ દિવસીય ભવ્ય સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાંધણ છઠ્ઠના દિવસે સાંજે 6 વાગ્યાથી મેળો લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.
મેળા ની તૈયારીઓ


ભાવનગર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિત્તે શહેરના જવાહર મેદાન ખાતે ત્રણ દિવસીય ભવ્ય સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાંધણ છઠ્ઠના દિવસે સાંજે 6 વાગ્યાથી મેળો લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. જન્માષ્ટમીના પર્વને લઈ શહેરવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા મેળામાં વિવિધ આકર્ષણો ઉભા કરવામાં આવશે.

મેળામાં ખાસ કરીને બાળકો માટે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓમાં અભ્યાસ કરતા આશરે 30 હજાર બાળકોને આનંદ મેળામાં પ્રવેશ માટે નિઃશુલ્ક પાસ આપવામાં આવશે. જેના થકી બાળકો મેળાની વિવિધ રાઇડ્સ પૈકી કોઈ એક રાઇડનો મફત આનંદ માણી શકશે.

મેળામાં સખી મંડળની બહેનોને પોતાના હસ્તકલા ઉત્પાદનો અને વિવિધ વાનગીઓના વેચાણ માટે 20 સ્ટોલ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. આ વ્યવસ્થાથી મહિલાઓને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે સારું પ્લેટફોર્મ મળવાની સાથે આવક મેળવવાની તક પણ મળશે. ઉપરાંત મેળામાં ફૂડ કોર્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ત્રણ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમમાં અપેક્ષા પંડ્યા, ઉર્વશી રાદડિયા, બિરજુ બારોટ અને વિવેક સાંચલા સહિતના કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરશે. ભાવનગરના સ્થાનિક કલાકારો દ્વારા પણ ડાયરા અને સંગીતના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

BMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ જણાવ્યું હતું કે ભાવનગરવાસીઓને શહેરમાં જ જન્માષ્ટમીના મેળાનો આનંદ મળે અને તહેવાર ઉત્સાહભેર ઉજવી શકાય તે હેતુથી આયોજન કરાયું છે. અંદાજે દરરોજ 15 હજારથી વધુ લોકો મેળાની મુલાકાત લેશે તેવી અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande