
ભાવનગર, 01 સપ્ટેમ્બર (હિ.સ.) પાલિતાણા તાલુકાના આદપુર ગામના વતની અને હાલ ભાવનગર ખાતે વસવાટ કરતાં મમતા જગદીશભાઈ ડાભીને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા ગુજરાતી વિષયમાં ફિલોસોફી ઓફ ડોક્ટરેટ (પીએચડી)ની પદવી એનાયત કરવામાં આવી છે. તેમની આ શૈક્ષણિક સિદ્ધિને પગલે પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
મમતાબેન ડાભીએ વર્ષ ૨૦૨૧માં “એકવીસમી સદીના પ્રથમ દાયકાની ગુજરાતી અને હિન્દી નવલકથાઓમાં આદિવાસી સમાજજીવન : એક તુલનાત્મક અધ્યયન” વિષય પર સંશોધન કાર્ય શરૂ કર્યું હતું. સંશોધન દરમિયાન તેમણે ગુજરાતી અને હિન્દી સાહિત્યની પાંચ-પાંચ નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો.
આ અભ્યાસમાં આદિવાસી સમાજજીવન, તેમની સંસ્કૃતિ, પરંપરા, રીતરિવાજો તેમજ સામાજિક પરિસ્થિતિ જેવા વિવિધ પાસાંઓનું તલસ્પર્શી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આદિવાસી સમાજ દ્વારા અત્યાચાર અને શોષણ સામે કરવામાં આવતા વિદ્રોહ તથા તેમના સંઘર્ષને પણ સંશોધનમાં આવરી લેવામાં આવ્યો છે.
મમતાબેનના સંશોધન કાર્યમાં નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયાના આચાર્ય ડૉ. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ માર્ગદર્શક તરીકે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમના શોધગ્રંથની મૌખિક પરીક્ષા ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે યોજાઈ હતી. પરીક્ષામાં વિષય નિષ્ણાત તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના એસોસિયેટ પ્રોફેસર ડૉ. ભરત ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
મમતાબેન ડાભીની આ સિદ્ધિથી આદપુર ગામ તેમજ ભાવનગરનું શૈક્ષણિક ક્ષેત્ર ગૌરવ અનુભવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA