
ભાવનગર, 01 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે પચ્છેગામ ખાતે જયપાલસિંહ બાબભા ગોહિલના રહેણાંક મકાનની બહાર આવેલી જાહેર ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપત્તાના પાના અને રોકડ રૂપિયાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે એલ.સી.બી. ટીમે સ્થળ પર દરોડો પાડતા ત્યાં જુગાર રમતા ઇસમોમાંથી બેને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય કેટલાક ઇસમો પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પાના, રોકડ રકમ, મોબાઇલ ફોન તેમજ મોટરસાયકલ સહિત કુલ રૂ.1,47,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે પકડાયેલા આરોપીઓ તરીકે પચ્છેગામના રવિરાજસિંહ ઉર્ફે નાનભા ખોડુભા ગોહિલ (ઉ.વ.40) અને કંથારીયાના મનહરભાઈ બચુભાઈ પીપળીયા (ઉ.વ.53)ની ધરપકડ કરી છે.
દરમિયાન નિલુભા ઉર્ફે એન.ડી. ધર્મેન્દ્રસિંહ ગોહિલ, જીકાભાઈ મુળજીભાઈ પીપળીયા, કાળુભાઈ ધીરૂભાઈ ડાબસરા, જયપાલસિંહ બાબભા ગોહિલ, અનોપભાઈ ભુપતભાઈ સોલંકી, પ્રદિપભાઈ બુધાભાઈ મકવાણા અને સિદ્ધરાજસિંહ ઉર્ફે એસ.કે. કરણસિંહ ગોહિલ સહિત સાત આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
કબ્જે કરાયેલા મુદ્દામાલમાં 52 ગંજીપત્તાના પાના, રૂ.22,200 રોકડ, બે મોબાઇલ ફોન કિંમત રૂ.10,000 અને પાંચ મોટરસાયકલ કિંમત રૂ.1,15,000નો સમાવેશ થાય છે. સમગ્ર મામલે વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA