
- સૈયદ રાજપરા, પોરબંદર અને ફણસા ખાતે મત્સ્ય બંદરો તથા ઉતરાણ કેન્દ્રોના નવીનીકરણ અને ડ્રેજિંગ કામગીરી હાથ ધરાશે: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી
ગાંધીનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ અને દરિયાકાંઠાના માછીમારોની સુખાકારી માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ કલ્યાણકારી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મત્સ્યોદ્યોગ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરવા માટે રૂ. ૨૯૭.૧૧ કરોડથી વધુના ખર્ચે વિવિધ ત્રણ મહત્વપૂર્ણ પ્રકલ્પોને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
1. ગીર સોમનાથના સૈયદ રાજપરા ફિશ લેન્ડિંગ સેન્ટરનું અપગ્રેડેશન (રૂ. ૧૮૮.૭૧ કરોડ)
ગીર સોમનાથ જિલ્લાના સૈયદ રાજપરા ખાતે આશરે ૩,૧૦૦ સક્રિય માછીમારો અને ૩૪૭ જેટલી બોટ સંકળાયેલી છે. જ્યાં ૭૫૩ બોટની ક્ષમતાવાળું કેન્દ્ર, વાર્ફ વોલનું વિસ્તારણ, રીકલેમેશન, સી.સી. રોડ/પ્લેટફોર્મ, નેટ મેન્ડિંગ શેડ અને ડ્રેજિંગ વગેરે સુવિધાઓ તબક્કાવાર વિકસાવવામાં આવશે.
2. પોરબંદર મત્સ્ય બંદર ખાતે ડ્રેજિંગ કામગીરી (રૂ. ૯૪.૯૭ કરોડ)
પોરબંદર ખાતે આશરે ૫,૭૪૯ સક્રિય માછીમારો અને ૪,૧૯૪ એફ.આર.પી. તથા ટ્રોલર બોટો કાર્યરત છે. જ્યાં પોરબંદર મત્સ્ય બંદરની ક્ષમતા અને અવરજવર સુગમ બનાવવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) મારફત વિવિધ વિસ્તારોમાં ડ્રેજિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.
3. વલસાડના ફણસા મત્સ્ય ઉતરાણ કેન્દ્રનો વિકાસ (રૂ. ૧૩.૪૩ કરોડ)
વલસાડ જિલ્લાના ફણસા ખાતે ૧,૩૧૮ સક્રિય માછીમારો છે. જ્યાં કોંક્રીટ સરફેસ, રિક્લેમેશન અને સોલાર એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટ જેવી ભૌતિક અને પાયાગત સુવિધાઓ ઊભી કરાશે.
આ પ્રોજેક્ટથી ફિશિંગ બોટો ૨૪ કલાક બંદરમાં અવર-જવર કરી શકશે, જેથી માછલીઓનો બગાડ અટકશે. ગુણવત્તા જળવાઈ રહેવાથી માછીમારોને બજારમાં સારા ભાવ મળશે. મત્સ્ય નિકાસ વધવાથી વિદેશી હૂંડિયામણ મળશે તથા સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઉભી થશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ