


પોરબંદર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર
જિલ્લાના બરડા પંથકમાં ગુરુવારે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો.કુણવદર, રામવાવ, ખાંભોદર, બગવદર, ભારવાડા, બાબડા, દેગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમય બાદ ભારે વરસાદી ઝાપટાં પડતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.લાંબા વિરામ બાદ વરસેલા વરસાદથી ખેડૂતોમાં રાહત સાથે સારા વરસાદની આશા જાગી છે.
ચાલુ વર્ષે પોરબંદર જિલ્લામાં
મેઘકૃપા નહીં થતાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ
છે.વરસાદના અભાવે મગફળી સહિતના પાક ઉપર ગંભીર સંકટ ઊભું થયું છે અને
કેટલાક વિસ્તારોમાં પાક સંપૂર્ણ પણે નાશ પામ્યો
હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.આ સ્થિતિ વચ્ચે
બરડા પંથકમાં પડેલા વરસાદી ઝાપટાંથી
ખેતરોમાં ભેજ પહોંચતાં ઉભા પાકને બચવાની આશા બંધાઈ છે.
ખાસ કરીને મગફળીના પાક માટે હવે આગામી દિવસોમાં સારો અને સતત વરસાદ થાય તો નુકસાન ઘટાડી શકાય તેવી ખેડૂતોને આશા છે.હાલ વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે હવામાન નિષ્ણાતો
દ્વારા પણ આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે.
જેના પગલે ખેડૂતોની નજર હવે આકાશ તરફ મંડાઈ છે.લાંબા સમય બાદ વરસાદી છાંટા પડતાં ‘જગતના તાત’ના હૈયે હરખ જોવા મળ્યો હતો.હવે મેઘરાજા મન મૂકીને વરસે અને
દુષ્કાળની સ્થિતિમાંથી ખેતી તથા ખેડૂતોને રાહત
મળે તેવી આશા સેવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya