



કચ્છ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : જિલ્લામાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કાર્યવાહી અંતર્ગત ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કિડાણા ગામમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભૂતકાળમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસ ચોપડે નોંધાયેલા ઇસમોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાના હેતુથી પોલીસ તથા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ની સંયુક્ત ટીમ દ્વારા રહેણાંક મકાનોમાં અચાનક સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલ.એન. વાઢીયા સહિતની પોલીસ ટીમે PGVCLના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને કિડાણા ગામમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ખાસ કરીને ભૂતકાળમાં ખૂનની કોશિશ, લૂંટ, રાયોટિંગ, ઘરફોડ ચોરી, કેબલ ચોરી, વાહન ચોરી, મારામારી તેમજ ગુજસીટોક અને એટ્રોસિટી જેવા ગંભીર ગુનાઓમાં પકડાઈ ચૂકેલા ઇસમોના મકાનોની તપાસ કરવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન પોલીસની નજર હેઠળ આવેલા ઇસમોમાં હુશેન ઈશાક ચાવડા, અનવર કાસમ વીરા, ઈમરાન નુરમામદ ચાવડા, અકરમ કાસમ ચાવડા, ફરીદ ઉર્ફે પૈકો ઇબ્રાહિમ કટીયા, સાહિલ ઉર્ફે પી.એ. ફરિદભાઈ શેખ, લિયાજત ઉર્ફે લિયાકત કાસમ ચાવડા, અલ્તાફ ઉર્ફે કારો રમજાન કકલ, ઈસ્માઈલ ઇબ્રાહિમ ચાવડા, અસગર ઈસ્માઈલ ચાવડા, ઉમર ઉર્ફે ભુરો કાસમ ચાવડા, ગની ઉર્ફે ગનીડો ઇસ્માઇલ ચાવડા, સુલતાન ગની છુછીયા, ઓસમાણ ઇબ્રાહિમ મથડા, ઈસ્માઈલ જુરાબ મમણ, સબીર સુલેમાન કાનગડા, અનવર અકબર શેખ, ઈકબાલ અનવર શેખ, રજાક અનવર શેખ, અકરમ ઈસ્માઈલ ચાવડા, કારામ ઉર્ફે કાચુડો ઇરમાઈલ ચાવડા, ગફુર હાસમ ચાવડા, સબીર અકબર ચાવડા, હનિફ કાસમ ચાવડા, રજાક કાસમ ચાવડા તથા ખમીશા ઓસમાણ ખારાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, આ પૈકીના વિવિધ ઇસમો સામે ભૂતકાળમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી, લૂંટ, મારામારી, એટ્રોસિટી, ગુજસીટોક સહિતના ગુનાઓ નોંધાયેલા અથવા તેમની સામે કાર્યવાહી થયેલી છે.ચેકિંગ દરમિયાન કેટલાક મકાનોમાં વીજળીના ગેરકાયદેસર જોડાણો મળી આવતા PGVCLની ટીમે સ્થળ પર જ નિયમ મુજબ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરી હતી. સાથે જ વીજચોરી બદલ સંબંધિત ઇસમો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂ.12 લાખથી વધુની દંડની રકમ વસૂલાત માટે નક્કી કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસની આ કાર્યવાહીથી કિડાણા વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગામી સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવો પોલીસનો અભિગમ સ્પષ્ટ થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar