

કચ્છ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : મુન્દ્રા શહેર પોલીસ સ્ટેશન ખાતે નવા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સાકોરીયા સાથે મુન્દ્રા બાર એસોસિએશનના હોદ્દેદારો, વકીલો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મુન્દ્રા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ તથા સામાજિક-રાજકીય ક્ષેત્રે સક્રિય એડવોકેટ કાનજીભાઈ દેવજીભાઈ સોંધરા સામે નોંધાયેલી ફરિયાદ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.
બાર એસોસિએશનના પ્રતિનિધિઓએ પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ફરિયાદના સમગ્ર મામલાની હકીકત જાણ્યા વિના કોઈ ઉતાવળભરી કાર્યવાહી કરવામાં ન આવે. ફરિયાદ અંગે તમામ પાસાઓની તપાસ કરવામાં આવે અને સંબંધિત વ્યક્તિઓના નિવેદનો તથા ઉપલબ્ધ પુરાવાઓને ધ્યાનમાં લઈને તટસ્થ રીતે હકીકત સુધી પહોંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ સાથે તપાસ પ્રક્રિયા કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વિના કરવામાં આવે તે બાબતે પણ ભાર મૂકાયો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સાકોરીયાએ બેઠકમાં ઉપસ્થિત તમામની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે સમગ્ર ઘટનાક્રમની યોગ્ય અને સ્પષ્ટ તપાસ કરવાની તથા તપાસમાં સામે આવતી હકીકત અને પુરાવાના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. પોલીસ તરફથી મળેલી આ ખાતરી બાદ બેઠકમાં હાજર વકીલો અને આગેવાનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
બેઠકમાં મુન્દ્રા બાર એસોસિએશનના પ્રમુખ જનકભાઈ સોલંકી, ઉપપ્રમુખ બિલાલભાઈ ખત્રી, પૂર્વ પ્રમુખ નારાણભાઈ કાનાણી, સિનિયર એડવોકેટ પ્રવિણભાઈ ગણાત્રા, પૂર્વ પ્રમુખ રવિભાઈ મહેશ્વરી સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતા. એડવોકેટ ઇમરાનભાઈ મેમણ, શ્યામભાઈ સોંઘમ, રાજશભાઈ રબારી, કાનીયાભાઈ સેડા ગઢવી, પ્રવિણભાઈ આહિર અને જીતેશભાઈ મહેશ્વરીએ પણ હાજરી આપી હતી.
મહિલા વકીલ પ્રતિનિધિઓમાં એડવોકેટ દેવલાબેન ગઢવી, દુર્ગાબેન ગોર, સાબેરાબેન સુમરા અને નિકિતાબેન સોંધમ જોડાયા હતા. ઉપરાંત સામાજિક-રાજકીય આગેવાન જાવેદભાઈ પઠાણ, મુન્દ્રા ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય કાઉન્સિલર ભરતભાઈ પાતારીયા, સબીરભાઈ ઘુઘયા, શકિલભાઈ ઘુઘયા અને મગનભાઈ ફકલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકના અંતે બાર એસોસિએશનના હોદ્દેદારો, વકીલો અને આગેવાનોએ મુન્દ્રા પોલીસ સ્ટેશનના નવા પી.આઈ. એમ.આર. સાકોરીયાને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર મુલાકાત દરમિયાન ફરિયાદની નિષ્પક્ષ તપાસ અને કાયદેસરની પ્રક્રિયા જાળવવા અંગે મુખ્યત્વે ચર્ચા કેન્દ્રિત રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar