
કચ્છ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : શિક્ષણ ક્ષેત્રે મુન્દ્રાની શેઠ શ્રી લખમશીભાઈ નયું પ્રાથમિક અધ્યાપન મંદિર એટલે કે PTC કોલેજે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા D.El.Ed. (PTC) પ્રથમ વર્ષના વાર્ષિક પરિણામમાં કોલેજે 100 ટકા પરિણામ મેળવી સમગ્ર સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. રાજ્યસ્તરે પ્રથમ વર્ષનું સરેરાશ પરિણામ 91.32 ટકા રહ્યું છે, જ્યારે મુન્દ્રાની આ સંસ્થામાં પરીક્ષા આપનાર તમામ 117 તાલીમાર્થી બહેનોએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી છે.
કોલેજ માટે આ પરિણામ માત્ર શૈક્ષણિક સફળતા પૂરતું સીમિત નથી, પરંતુ તાલીમાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને સંસ્થાની ગુણવત્તાયુક્ત શૈક્ષણિક પ્રક્રિયાનું પ્રતિબિંબ પણ માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કચ્છ જિલ્લાના શ્રેષ્ઠ દસ પરિણામ ધરાવતા તાલીમાર્થીઓમાં એક જ કોલેજની આઠ વિદ્યાર્થીનીઓએ સ્થાન મેળવતાં મુન્દ્રા PTCની શૈક્ષણિક સિદ્ધિ વધુ વિશિષ્ટ બની છે.
કચ્છના ટોપ-10માં સ્થાન મેળવનાર તાલીમાર્થીઓમાં ગાલા અર્પિતાબા યશરાજસિંહે 89.85 ટકા સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ત્યારબાદ જુવડ રીના પ્રેમજીભાઈએ 88.50 ટકા, બડગા જાનવી ભીમજીએ 88.20 ટકા અને વાઘમશી યશ્વી નાનજીભાઈએ 88.05 ટકા મેળવ્યા છે. મોતા અવની જયંતીલાલે 87.61 ટકા, ચૌધરી રીંકુબેન રામાભાઈએ 86.11 ટકા, જ્યારે મોતા વેદિકા જયંતીલાલ અને મોતા ઋદ્ધિબેન રણછોડભાઈએ 85.67 ટકા સાથે ટોપ-10માં સ્થાન મેળવ્યું છે.
આ ઉત્કૃષ્ટ પરિણામને પગલે શેઠ શ્રી આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કેકિનભાઈ છેડા, ટ્રસ્ટી લક્ષ્મીચંદભાઈ કેનિયા, વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ડાયાલાલ આહિર, માનદ મંત્રી કિશોરસિંહ પરમાર અને પ્રિન્સિપાલ રાજેન્દ્ર કુબાવત સહિત સમગ્ર સ્ટાફે તમામ સફળ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. સંસ્થાના સંચાલકોએ આ સિદ્ધિને મુન્દ્રા વિસ્તાર માટે ગૌરવની ક્ષણ ગણાવી વિદ્યાર્થીનીઓના આગામી શૈક્ષણિક અને વ્યાવસાયિક જીવન માટે શુભેચ્છાઓ પાઠવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar