ખીજડીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રોબોટિક્સ પ્રવૃત્તિમાં અજમાવી સર્જનાત્મકતાની પાંખો
- મિકેનિક્સ એક્ટિવિટી અંતર્ગત “કરો અને શીખો” પદ્ધતિથી વિદ્યાર્થીઓએ રોબોટિક્સ અને ઇલેક્ટ્રોનિક્સનો મેળવ્યો પ્રત્યક્ષ અનુભવ. રાજકોટ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજકોટની ખીજડીયા પ્રાથમિક શાળામાં બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા, તાર્કિક વિચારસરણી ત
Khijdia Primary School students tested their creativity in robotics activities


- મિકેનિક્સ એક્ટિવિટી અંતર્ગત “કરો અને શીખો” પદ્ધતિથી વિદ્યાર્થીઓએ રોબોટિક્સ અને ઇલેક્ટ્રોનિક્સનો મેળવ્યો પ્રત્યક્ષ અનુભવ.

રાજકોટ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજકોટની ખીજડીયા પ્રાથમિક શાળામાં બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા, તાર્કિક વિચારસરણી તથા ટેકનોલોજી પ્રત્યેની રુચિ વિકસે તે હેતુથી મિકેનિક્સ એક્ટિવિટી અંતર્ગત વિશેષ રોબોટિક્સ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર પારસ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને રોબોટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ સિસ્ટમ તેમજ વિવિધ નવીન ટેકનોલોજી આધારિત પ્રવૃત્તિઓ અંગે સરળ અને રસપ્રદ રીતે માર્ગદર્શન આપ્યું હતું.

વિદ્યાર્થીઓને માત્ર સૈદ્ધાંતિક માહિતી આપવાને બદલે વિવિધ પ્રવૃત્તિઓ જાતે કરાવીને “કરો અને શીખો” પદ્ધતિ દ્વારા પ્રયોગાત્મક શિક્ષણ આપવામાં આવ્યું હતું.

પ્રવૃત્તિ દરમિયાન બાળકોએ પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારનાં રમકડાં, મોડેલ અને મિકેનિકલ રચનાઓ જાતે તૈયાર કરી હતી. રોબોટિક્સ અને મિકેનિકલ પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવી વસ્તુઓ કેવી રીતે બનાવી શકાય, તેમાં ટેકનોલોજી કેવી રીતે કાર્ય કરે છે તથા કોઈ મોડેલ તૈયાર કરતી વખતે કઈ રીતે વિચારવું તે અંગે વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો.

આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુપ્ત પ્રતિભાઓને ઉજાગર કરવાની સાથે સમસ્યા ઉકેલવાની ક્ષમતા, તાર્કિક વિચારસરણી, સર્જનાત્મકતા, અવલોકનશક્તિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે તેવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવી પ્રવૃત્તિઓ બાળકોને માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું મર્યાદિત ન રાખતા તેમને પ્રયોગ, અનુભવ અને સર્જનાત્મકતાના માધ્યમથી શીખવાની તક પૂરી પાડે છે.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ માટે આ પ્રવૃત્તિ જ્ઞાન સાથે આનંદ, પ્રયોગ અને અનુભવથી ભરપૂર રહી હતી. નવીન ટેકનોલોજી સાથે પરિચય કરાવતી આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં કંઈક નવું કરવાની અને જાતે મોડેલ બનાવવાની પ્રેરણા મળી હતી.

શાળાના આચાર્ય તથા શિક્ષકગણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રત્યક્ષ પ્રયોગ દ્વારા શીખવાની તક પૂરી પાડવા બદલ પારસ રાવલનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ બાળકોને આવી નવીન, સર્જનાત્મક અને પ્રયોગાત્મક પ્રવૃત્તિઓના વધુ અવસર મળે તેવી શુભેચ્છા પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande