
પાટણ, 16 સપ્ટેમ્બર (હિ.સ.)હારીજની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં 16 સપ્ટેમ્બર 2026ના રોજ “રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા” વિષય પર પ્રેરણાત્મક વ્યાખ્યાન યોજાયું હતું. કાર્યક્રમનો હેતુ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, જવાબદારી, નેતૃત્વ અને સામાજિક જાગૃતિ વધારવાનો હતો.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના યુનિવર્સિટી કૉઓર્ડીનેટર કમલેશ ઠક્કર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે યુવાનો દેશની સક્રિય અને સર્જનાત્મક શક્તિ છે તથા શિક્ષણ, સંશોધન, ટેક્નોલોજી અને સામાજિક સેવા દ્વારા રાષ્ટ્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે છે.
કમલેશ ઠક્કરે યુવાનોને કારકિર્દી સાથે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી સમજવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે જાગૃત યુવા અને જવાબદાર નાગરિકોના સકારાત્મક પ્રયાસોથી વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ મળી શકે છે.
આ પ્રસંગે કૉલેજના આચાર્ય ડૉ. ટી. પી. આનંદ, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ વક્તાના વિચારો સાંભળીને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવાની પ્રેરણા મેળવી હતી. કાર્યક્રમના અંતે સૌનો આભાર માનવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ