નવ વર્ષથી પોલીસને ચકમો આપતો પોક્સો કેસનો આરોપી મહારાષ્ટ્રમાંથી ઝડપાયો
- ધરપકડથી બચવા પગમાં ઇજા કરાવ્યાનો પ્રયાસ કચ્છ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ શહેરમાં નોંધાયેલા પોક્સો સહિતના ગંભીર ગુનામાં છેલ્લા નવ વર્ષથી પોલીસથી દૂર રહેલા આરોપીને પશ્ચિમ કચ્છની પેરોલ ફર્લો સ્કોડ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે મહારાષ્ટ્રમા
પોક્સો કેસનો આરોપી પકડાયો


- ધરપકડથી બચવા પગમાં ઇજા કરાવ્યાનો પ્રયાસ

કચ્છ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ શહેરમાં નોંધાયેલા પોક્સો સહિતના ગંભીર ગુનામાં છેલ્લા નવ વર્ષથી પોલીસથી દૂર રહેલા આરોપીને પશ્ચિમ કચ્છની પેરોલ ફર્લો સ્કોડ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીની ઓળખ અમરાવતી જિલ્લાના અચલપુર ખાતે રહેતા 28 વર્ષીય સાજીદ અખતરખાન તરીકે થઈ છે. આરોપી સામે ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017 દરમિયાન ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ અદાલત દ્વારા તેની સામે પકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નં. 96/2017માં ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366 અને 114 ઉપરાંત પોક્સો એક્ટની કલમ 4 અને 8 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસ સંદર્ભે ભુજની અધિક જિલ્લા અને સેશન્સ કોર્ટમાં પોક્સો કેસ નં. 33/2018 ચાલી રહ્યો હતો. આરોપી લાંબા સમયથી પોલીસની પકડથી બહાર હોવાથી તેને શોધી કાઢવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરાયા હતા.

બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચનાના પગલે પેરોલ, ફર્લો, વચગાળાના જામીન બાદ ફરાર તેમજ નાસતા ફરતા આરોપીઓની શોધખોળ માટે કાર્યવાહી તેજ કરવામાં આવી હતી. આ દરમિયાન LCB PI એ.એમ. મકવાણા અને PSI એમ.એલ. વાઘેલાની આગેવાની હેઠળ ટીમ બનાવવામાં આવી હતી. તેમાં પેરોલ ફર્લો સ્કોડના ASI હરીલાલ બારોટ તથા LCBના પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવી જોડાયા હતા.

ટીમ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના અચલપુર પહોંચી હતી. ત્યાં તપાસ દરમિયાન ટેકનિકલ વિશ્લેષણ અને ખાનગી બાતમીના આધારે આરોપી હાલમાં મોર્શી વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળી હતી. સ્થાનિક પોલીસના સહયોગથી મોર્શી ખાતે તપાસ હાથ ધરાતા આરોપી મળી આવ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપીને પોલીસ સ્ટેશન લઈ જતી વખતે તેણે પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. આ દરમિયાન મોટરસાઇકલના ટાયરમાં પગ નાખી પોતાને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી હતી. પગમાં થયેલી ઇજાને પગલે તેને સારવાર માટે લઈ જવાયો હતો. બાદમાં જરૂરી તબીબી પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે પશ્ચિમ કચ્છની ટીમે હસ્તગત કર્યો હતો.

ભુજ પરત લાવવામાં આવતા માર્ગમાં ગુજરાતના આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ખાનપુર ખાતે આવેલા PHC સેન્ટર પર પણ તેના પગની સારવાર અને ડ્રેસિંગ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીનો કબ્જો આગળની કાર્યવાહી માટે ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. નવ વર્ષથી પેન્ડિંગ પકડ વોરંટની બજવણી સાથે હવે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande