ભુજમાં ગાંજાના જથ્થા સાથે 20 વર્ષીય યુવક ઝડપાયો: પોલીસે 63 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરફેર સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ગાંજાના જથ્થા સાથે એક 20 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન ગાંજા
ગાંજા સાથે પકડાયેલ યુવક


કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરફેર સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ગાંજાના જથ્થા સાથે એક 20 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન ગાંજા ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ રકમ અને ટુ-વ્હીલર સહિત કુલ રૂ.63,845નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ ભુજ સ્ટેશન રોડથી શાસ્ત્રીનગર તરફ જતા માર્ગ પર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા એક ઈસમને અટકાવી તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે તેને કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ ઈસમની ઓળખ વિવેક સનાતનભાઈ બારોટ, ઉંમર 20 વર્ષ, રહે કૈલાસનગર, સંસ્કારનગર, ભુજ તરીકે થઈ છે. તેની પાસેથી કુલ 158.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.7,925 હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત તેની પાસેથી રૂ.5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન અને રૂ.920 રોકડ રકમ પણ મળી આવી હતી.

પોલીસે વધુમાં ગાંજાની હેરફેરમાં ઉપયોગમાં લેવાતું હોવાનું જણાતું એક ટુ-વ્હીલર વાહન પણ કબજે કર્યું છે, જેની કિંમત આશરે રૂ.50,000 આંકવામાં આવી છે. આ રીતે ગાંજો, મોબાઈલ, રોકડ અને વાહન સહિત કુલ રૂ.63,845નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. રાણાની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર કાર્યવાહી કરી યુવકને ઝડપી લીધો હતો. બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંજાનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો અંગે તપાસ કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande