
કચ્છ, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી) ગામના મફતનગર વિસ્તારમાં વીજળીની સમસ્યાને લઈને રહેવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. મુસ્લિમ વાસમાં આશરે ચાર મહિના અગાઉ નવું ટ્રાન્સફોર્મર (ડીપી) સ્થાપિત કરવામાં આવ્યું હોવા છતાં તેમાં હજુ સુધી થ્રી-ફેઝ કનેક્શન કાર્યરત કરવામાં આવ્યું ન હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિણામે નવી ડીપી ઉભી કરવામાં આવી હોવા છતાં તેનો અપેક્ષિત લાભ વિસ્તારના લોકોને મળી રહ્યો નથી અને લો-વોલ્ટેજની સમસ્યા યથાવત્ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખાસ કરીને સાંજ બાદ અને રાત્રિના સમયે વીજ વોલ્ટેજમાં ઘટાડો થવાથી રોજિંદા જીવનના કામકાજ પર અસર પડી રહી છે. ઘરોમાં પંખા, લાઇટ સહિતના વીજ ઉપકરણો યોગ્ય રીતે કાર્ય કરતા નથી. કેટલાક સમયે વોલ્ટેજમાં અચાનક વધઘટ થતી હોવાના કારણે ઇલેક્ટ્રોનિક સાધનોને નુકસાન થવાની ચિંતા પણ રહેવાસીઓમાં છે. ગરમીના સમયમાં આવી સ્થિતિ વધુ મુશ્કેલીજનક બની રહેતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
આ અંગે નખત્રાણા તાલુકા કોંગ્રેસ મહામંત્રી જુસબ સોઢાએ વીજ તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ, ચાર મહિનાથી ટ્રાન્સફોર્મર સ્થાપિત કરવામાં આવ્યું હોવા છતાં જરૂરી થ્રી-ફેઝ કનેક્શનની કામગીરી પૂર્ણ ન થવાને કારણે વિસ્તારના લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેમણે સંબંધિત વીજ અધિકારીઓ દ્વારા સ્થળ પરિસ્થિતિની તપાસ કરવામાં આવે અને જરૂરી ટેકનિકલ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.
રહેવાસીઓની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો કાયમી ઉકેલ આવે અને વીજ પુરવઠો નિયમિત તથા યોગ્ય વોલ્ટેજ સાથે મળી રહે તે માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ રજૂઆત દરમિયાન આપવામાં આવી છે. હવે વીજ તંત્ર દ્વારા આ મામલે ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar