
જૂનાગઢ 25 સપ્ટેમ્બર (હિ.સ.) વર્ષ ૨૦૨૬-૨૭ માટે જૂનાગઢ જિલ્લામાં સ્માર્ટ અને પ્રીસીઝન ફાર્મીંગ યોજનામાં અરજીઓ મેળવવા આઈ ખેડુત પોર્ટલ ૨૫/૦૯/૨૦૨૬થી તારીખ ૨૪/૧૦/૨૦૨૬ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
આ આધુનિક ટેકનોલોજી આધારિત યોજનાનો મુખ્ય હેતુ ખેતીમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને પ્રીસીઝન સાધનોનો ઉપયોગ વધારી ખેડૂતોની આવક બમણી કરવાનો અને પાક વ્યવસ્થાપન વધુ સચોટ બનાવવાનો છે.
આ યોજના હેઠળ પાક વ્યવસ્થાપનમાં પ્રીસીઝન ફાર્મિંગ ઘટક તરીકે IOT ઉપકરણ - FASAL સાધન (જે સિંચાઈની સમયસર ચેતવણી, હવામાનની સચોટ આગાહી, તેમજ જીવાત અને રોગની આગોતરી ચેતવણી માપવાનું કાર્ય કરે છે) ખરીદવા માટે સહાય મળવાપાત્ર રહેશે.
લાભાર્થી ખેડૂતને આ સાધનની કુલ કિંમતના ૫૦% અથવા રૂપિયા ૭૫,૦૦૦/- (બે માંથી જે ઓછું હોય તે) સહાય પેટે મળવાપાત્ર થશે. આ સહાય મહત્તમ બે એકરની મર્યાદામાં અને ખાતા દીઠ ૦૫ વર્ષમાં એક જ વખત મેળવી શકાશે.
આ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોએ આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર પર મળેલ OTP દ્વારા અથવા બાયોમેટ્રિક દ્વારા નોંધણી/અરજી કરવા તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે. તેમજ આ અંગે વધુ જાણકારી માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી)નો સંપર્ક કરવાનો રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ