
ભાવનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.)પાલિતાણા હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કેમ્પમાં પાલિતાણા અને જેસર તાલુકાના ૯૯૧ વરિષ્ઠ નાગરિકોને રૂ. ૯૨,૮૯,૮૫૬ની કિંમતના કુલ ૫,૪૪૫ સહાયક સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વડીલોને જીવનમાં સરળતા, આત્મવિશ્વાસ અને સ્વાવલંબન મળે તે સરકારનું સેવાકીય ધ્યેય છે. વધતી ઉંમરે ચાલવામાં, સાંભળવામાં, જોવામાં તેમજ અન્ય શારીરિક મુશ્કેલીઓનો સામનો કરતા વડીલોને વ્હીલચેર, વોકર, શ્રવણયંત્ર, ઘૂંટણ-કમરના પટ્ટા અને દાંતના ચોકઠાં સહિતનાં સાધનો ઉપયોગી બનશે.
ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, વડીલોને જરૂરી સહાયક સાધનો ઉપલબ્ધ કરાવી તેમને સ્વાવલંબી બનાવવાનો આ સંવેદનશીલ પ્રયાસ છે. જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું કે, જિલ્લામાં આશરે ૧૦ હજાર વરિષ્ઠ નાગરિકોનું સ્ક્રીનિંગ કરી તેમની જરૂરિયાત અને માપ અનુસાર સાધનોની પસંદગી કરવામાં આવી છે.
કેમ્પમાં વ્હીલચેર, ચાલવાની લાકડીઓ, શ્રવણ સહાય, વોકર્સ, કટિ બેલ્ટ, ઘૂંટણના કૌંસ, સીટ ગાદી, કોમોડ સ્ટૂલ સહિત વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરાયું હતું.
ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ આશરે ૮,૦૦૦ વરિષ્ઠ નાગરિકોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું છે અને તેમને રૂ. ૭.૬૬ કરોડની સાધન સહાય આપવામાં આવનાર છે. કેમ્પમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA