


કચ્છ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : નખત્રાણા અને આસપાસના માર્ગો પર ઓવરલોડ વાહનોના વધતા જતા દબાણ અને તેના કારણે સર્જાતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને નખત્રાણા પ્રાંત તંત્ર દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ખનીજ સંબંધિત ગેરરીતિઓ સામે સતત કાર્યવાહી બાદ હવે ઓવરલોડ વાહનો સામે પણ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. હાજીપીર–દેસલપર રોડ પર હાથ ધરાયેલી રાત્રિ ચેકિંગ દરમિયાન ઓવરલોડ મીઠું ભરેલા 10 જેટલા વાહનોને અટકાવી દંડાત્મક કાર્યવાહી માટે RTOને સોંપવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, નખત્રાણા શહેરના પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજવલના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં નિયમોના ભંગ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ખનીજ સંબંધિત પ્રવૃત્તિઓમાં નિયમોનું ઉલ્લંઘન કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી વચ્ચે હવે ઓવરલોડ વાહનો પર પણ તંત્રની નજર વધુ કડક બની છે.
નખત્રાણા તાલુકાના દેસલપરથી હાજીપીર તરફ જતા માર્ગ પર મોટા પ્રમાણમાં ઓવરલોડ વાહનોની અવરજવર થતી હોવાની ફરિયાદો તંત્રને મળી હતી. ઓવરલોડ વાહનોના કારણે રસ્તા પર ટ્રાફિક વ્યવસ્થા, માર્ગની સ્થિતિ તેમજ વાહનચાલકો માટે જોખમ ઊભું થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાત્રિના સમયે વિશેષ ચેકિંગ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
25 સપ્ટેમ્બરની રાત્રે 8 વાગ્યાથી મધરાત્રીના 12 વાગ્યા સુધી હાજીપીર–દેસલપર રોડ પર પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી, નખત્રાણા દ્વારા સંયુક્ત રીતે ઓવરલોડ વાહન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. ચાર કલાક ચાલેલી આ કામગીરી દરમિયાન મીઠું ભરીને જતા વાહનોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ ભાર વહન કરતા કુલ 10 વાહનો મળી આવતા તેમને અટકાવવામાં આવ્યા હતા.
તમામ વાહનો સામે જરૂરી દંડાત્મક કાર્યવાહી કરવા માટે RTO વિભાગને સોંપવામાં આવ્યા છે. તંત્રની આ રાત્રિ કામગીરીથી ઓવરલોડ વાહનચાલકોમાં ચકચાર મચી છે. આવનારા દિવસોમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે આવી તપાસ વધુ સઘન બનાવવામાં આવે તેવી શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar