


કચ્છ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં આરોગ્ય અને પોષણ ક્ષેત્રે ચાલી રહેલી કામગીરીને વધુ અસરકારક બનાવવા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય સંબંધિત વિવિધ બેઠકો યોજાઈ હતી. બેઠક દરમિયાન માતા-બાળ આરોગ્ય, કુપોષણ, ટીબી, ડેન્ગ્યુ, મલેરિયા, રસીકરણ સહિતની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ પાત્ર અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી સમયસર પહોંચે તે માટે અધિકારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠકમાં પોષણ ટાસ્ક ફોર્સ અને એક્ઝિક્યુટિવ કમિટી સહિતની બેઠકોમાં જિલ્લામાં આરોગ્ય અને પોષણ ક્ષેત્રે થયેલી કામગીરીનો અહેવાલ મેળવવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓના પોષણની સ્થિતિ અંગે ચર્ચા કરતાં કુપોષણની વહેલી ઓળખ અને તાત્કાલિક સારવાર પર ભાર મૂકાયો હતો. ગંભીર કુપોષિત બાળકોને યોગ્ય સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવા તેમજ CMTC, NRC, AMB, નેશનલ ડીવોર્મિંગ ડે અને વિટામિન-એ જેવી કામગીરી અસરકારક રીતે થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સગર્ભા મહિલાઓની સમયસર નોંધણી, નિયમિત આરોગ્ય તપાસ, હાઈ રિસ્ક સગર્ભાની ઓળખ અને સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપવા અંગે પણ સમીક્ષા કરાઈ હતી. HBNC, HBYC, મમતા દિવસ, ગૌરવ દિવસ અને VPD જેવી કામગીરીને વધુ મજબૂત બનાવવા સૂચના અપાઈ હતી. બાળકોમાં જન્મજાત ખોડખાંપણ, હૃદયરોગ, શ્રવણ અને દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓ ઝડપથી ઓળખી સારવાર મળે તે માટે ખાસ ધ્યાન દોરાયું હતું.
ટીબી અને રક્તપિત્ત ઉપરાંત મલેરિયા, ડેન્ગ્યુ, HIV/AIDS, NCD, માનસિક આરોગ્ય અને આંખની સારવાર જેવા કાર્યક્રમોની પ્રગતિ પણ તપાસવામાં આવી હતી. ખાસ કરીને તાલુકા આરોગ્ય અધિકારીઓને નિયમિત સર્વેલન્સ કરી રોગચાળાની સ્થિતિ પર સતત નજર રાખવા અને શંકાસ્પદ દર્દીઓનું સમયસર નિદાન તથા સારવાર સુનિશ્ચિત કરવા જણાવાયું હતું.
હાઈપરટેન્શન અને ડાયાબિટીસના દર્દીઓની તપાસ બાદ નિયમિત ફોલોઅપ થાય તે અંગે પણ ભાર મૂકાયો હતો. નમોશ્રી અને PMMVY જેવી યોજનાઓમાં પાત્ર લાભાર્થીઓની વિગતો સમયસર અને ચોકસાઈપૂર્વક નોંધાય તથા કોઈ લાભાર્થી યોજનાથી વંચિત ન રહે તે માટે સૂચના આપવામાં આવી હતી.DDO ઉત્સવ ગૌતમે ફિલ્ડ સ્તરની કામગીરીની નિયમિત ચકાસણી કરી ખામીઓ જણાય તો તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા જણાવ્યું હતું. આરોગ્ય સાથે મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ વચ્ચે સંકલન વધારી કચ્છમાં આરોગ્ય સેવાઓની પહોંચ વધુ વ્યાપક બનાવવા તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar