‘સહી પોષણ, દેશ રોશન’: પરીયામાં પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન
વલસાડ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) ''સહી પોષણ, દેશ રોશન’ના સંદેશને સાકાર કરવાના હેતુથી પારડી તાલુકાના પરીયા ગ્રામ પંચાયત હોલ ખાતે આઈ.સી.ડી.એસ. પારડી ઘટક-1 અને 2 દ્વારા ઘટક કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનો મુખ્ય હ
પરીયામાં પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ, વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.


વલસાડ, 03 સપ્ટેમ્બર (હિ.સ.) 'સહી પોષણ, દેશ રોશન’ના સંદેશને સાકાર કરવાના હેતુથી પારડી તાલુકાના પરીયા ગ્રામ પંચાયત હોલ ખાતે આઈ.સી.ડી.એસ. પારડી ઘટક-1 અને 2 દ્વારા ઘટક કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા-2026નું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્પર્ધાનો મુખ્ય હેતુ આંગણવાડીના લાભાર્થીઓ તેમજ સમાજમાં મિલેટ્સ એટલે કે શ્રી અન્ન જેવા કે જુવાર, નાગલી, કોદરી, સામો અને કાંગ ઉપરાંત આંગણવાડી દ્વારા આપવામાં આવતા **ટેક હોમ રાશન (THR)**માંથી પૌષ્ટિક વાનગીઓના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

કાર્યક્રમમાં પારડી ઘટક-1 અને 2ની કુલ 9 સેજાના વિજેતા આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોએ ભાગ લીધો હતો. સ્પર્ધકોએ સરગવો, વિવિધ ભાજી, કઠોળ અને મિલેટ્સનો ઉપયોગ કરીને બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી હતી.

આ પ્રસંગે એન.કે. દેસાઈ સાયન્સ કોલેજના આચાર્ય ડો. તપનસિંહ પરમારે પૌષ્ટિક આહારના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે રોજિંદા આહારમાં ગોળ, ચણા, સીંગ, ખજૂર, કઠોળ તેમજ સ્થાનિક ફળો અને શાકભાજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

પારડી બાળવિકાસ યોજના અધિકારી રીટાબેન પટેલે પરંપરાગત અને સ્થાનિક ખાદ્ય પદાર્થોના ઉપયોગ માટે આંગણવાડી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આઈ.સી.ડી.એસ. સ્ટાફ દ્વારા THR અને મિલેટ્સના પોષક લાભો અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

સ્પર્ધામાં બાલશક્તિમાંથી બનાવેલો કેક, નાગલી-કેળાના પેનકેક, THRમાંથી બનાવેલું પનેલા અને મિલેટ્સના હાંડવા જેવી વાનગીઓએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે પૂર્ણાશક્તિમાંથી બનાવેલા પાતરા, દહીંવડા, વેજીટેબલ ટિક્કી, ઈડલી અને શક્કરિયાની ટિક્કી સહિતની વાનગીઓએ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવ્યો હતો.

વિજેતા આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરોની સક્રિય ભાગીદારી રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande