જામનગરમાં શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહના ઈ-આમંત્રણ પત્રિકામાંથી રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાનું નામ ગાયબ : રાજકીય ગરમાવો
જામનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરમાં આયોજિત જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહના ઈ-આમંત્રણ કાર્ડમાંથી ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાનું નામ ગાયબ થતાં શિક્ષણ જગત અને રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય સાથે તરેહ-તરેહની
ઇ આમંત્રણ


જામનગર, 03 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરમાં આયોજિત જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહના ઈ-આમંત્રણ કાર્ડમાંથી ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાનું નામ ગાયબ થતાં શિક્ષણ જગત અને રાજકીય વર્તુળોમાં ભારે આશ્ચર્ય સાથે તરેહ-તરેહની ચર્ચાઓ જાગી છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૫-૯ ના શનિવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે જામનગરની એલ.જી. હરીયા સ્કૂલ ખાતે તાલુકા-જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાનાર છે. આ કાર્યક્રમ માટે મોબાઈલ માધ્યમથી પાઠવવામાં આવેલા ઈ-નિમંત્રણ કાર્ડમાં 'શિક્ષણ પરિવાર'ને નિમંત્રક તરીકે દર્શાવાયા છે. આમંત્રણ પત્રિકામાં પ્રેરક ઉપસ્થિતિ તરીકે સ્થાનિક સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, મેયર મોનીકાબેન વ્યાસ ઉપરાંત ધારાસભ્ય રાઘવજી પટેલ, દિવ્યેશ અકબરી, મેઘજી ચાવડા અને હેમંત ખવા સહિતના પદાધિકારીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન માકડીયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમ કકનાણીના નામ પણ કાર્ડમાં સ્થાન પામ્યા છે. પરંતુ, ખુદ શિક્ષણ વિભાગના જ રાજ્ય કક્ષાના મંત્રી હોવા છતાં રિવાબા જાડેજાના નામની બાદબાકી કરવામાં આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. સરકારી અને શિક્ષણ વિભાગના મહત્વના આયોજનમાં રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રીનું નામ ભૂલથી રહી ગયું છે કે પછી કોઈ ચોક્કસ કારણોસર રદ કરવામાં આવ્યું છે, તે અંગે ભારે અસમંજસ વ્યાપી છે. સોશિયલ મીડિયા અને મોબાઈલ ગ્રુપોમાં આ ઈ-આમંત્રણ કાર્ડ વાયરલ થતાં જ સ્થાનિક સ્તરે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાય અને રાજકીય વિવાદનું સ્વરૂપ ધારણ કરે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande